તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Saturday, 24th January 2026
મોરબી-વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા ડેવલપમેન્ટ પ્લાનની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨૪: મોરબી-વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા મોરબી મહાનગરપાલિકા વિસ્તારના આયોજનબદ્ધ વિકાસ માટે તૈયાર કરવામાં આવી રહેલા વિકાસ યોજના (ડેવલપમેન્ટ પ્લાન)ની પ્રગતિ અંગે સમીક્ષા કરવા અર્થે મહત્વની બેઠક મોરબી મહાનગરપાલિકાના કમિશનર તથા નાયબ કમિશનર અને મુખ્ય કારોબારી અધિકારી, મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી.
જેમાં ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવાની કામગીરીના વિવિધ પાસાઓ અને વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ખાસ કરીને એવા વિસ્તારો કે જે હાલમાં ડેવલપમેન્ટ પ્લાન હેઠળ આવરી લેવામાં આવ્યા નથી, તેવા વિસ્તારોમાં બાંધકામની તથા સંબધિત અન્ય મંજૂરીઓ અને માળખાકીય સુવિધાઓનો લાભ જાહેર જનતાને મળી રહે તે અર્થે મુસદ્દારૂપ વિકાસ યોજના તૈયાર કરવાની કામગીરીને ઝડપથી પુર્ણ જરૂ૨ી માર્ગદર્શન તથા જરૂરી સુચના આપવામાં આવી હતી. સત્તામંડળ દ્વારા આ ડેવલપમેન્ટ પ્લાન અમલી બનવાથી અત્યાર સુધીના ૧૯૭૧ના ડેવેલપમેન્ટ પ્લાન બહારના વિસ્તારોમાં નિયમાનુસાર જે તે ઝોન મુજબની બાંધકામ પરવાનગી આપવી શક્ય બનશે, જેનાથી નાગરિકોને કાયદેસરના બાંધકામ માટેની સુવિધા પ્રાપ્ત થશે. આ પ્રક્રિયાના પરિણામે મોરબી શહેરનો વિકાસ વધુ સુદ્રઢ, સુઆયોજિત અને શિસ્તબદ્ધ થશે. જે મુજબ આધુનિક આંતરમાળખાકીય સુવિધાઓ સાથેનું આયોજન હાથ ધરવામાં આવશે, જેનો સીધો લાભ સ્થાનિક જનતાને મળશે તેવું મોરબી મહાનગરપાલિકાની યાદીમાં જણાવાયું હતું.
(10:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
