News of Saturday, 24th January 2026
ઠંડીએ સ્પીડ પકડીઃ ઠંડો પવન ફૂંકાતા લોકો ઠુંઠવાયા
નલીયા પ, ગિરનાર ૭, રાજકોટ ૯.પ ડિગ્રી લઘુતમ તાપમાનઃ રાત્રે-સવારે ઠંડકનો સપાટો

રાજકોટ, તા. ર૪: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીએ સ્પીડ પકડતા લોકો ઠુંઠવાયા છે આજે કચ્છના નલીયામાં પ, ગિરનાર ૭, રાજકોટ ૯.પ, જામનગરમાં ૧ર ડિગ્રી લધુતમ તાપમાન નોંધાયું છે.
ઉતર ભારત, જમ્મુ કાશ્મીર જેવી ઠંડી પડતા લોકો ઠુંઠવાઇ ગયા હતા.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ જુનાગઢ સહિત સોરઠમાં ગઈકાલથી શરૂ થયેલો ઠંડો પવન આજે પણ યથાવત રહેતા જનજીવનને ભારે અસર થઈ છે અને ઠંડો પવન ફૂંકાવાના કારણે તાપમાનમાં ૨ ડિગ્રીનો ઘટાડો થતાં ગુલાબી ઠંડી વધી હતી.
જમ્મુ કાશ્મીરથી હિમાલય પ્રદેશ સુધીના વિસ્તારોમાં આંધી તોફાન સાથે ભારે હિમવર્ષા થવાના કારણે છેલ્લા બે દિવસથી સોરઠ અને સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોનું હવામાન પલટાયુ છે.
ગઈકાલથી શરૂ થયેલો ઠંડો પવન આજે પણ ફુકાતા ઠંડી વધી ગઈ હતી. જુનાગઢ શહેરમાં સવારથી પવનની પ્રતિ કલાકની ઝડપ ૬.૫ કિલોમીટરની રહી હતી ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હોવાથી સવારે લઘુતમ તાપમાન ગઈકાલની સરખામણીએ ૨ ડિગ્રી ઘટીને ૧૨ ડીગ્રી નોંધાયું હતું.
જુનાગઢની સાથે ગિરનાર પર્વત પર પણ પારો નીચે આવીને ૭ ડિગ્રીએ સ્થિર થયો હતો. પર્વત પર પણ બરફીલો પવન ફૂંકાતા સમગ્ર ગિરનાર પર્વત વિસ્તારનો વાતાવરણ કાશ્મીરી બની ગયું હતું.
આજે સવારે ઠંડી વધવાની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટીને ૩૪% થઈ ગયું હતું.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાંજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત નીચે મુજબ છે.
લધુતમ તાપમાન ૧ર સે.ગ્રે. મહતમ તાપમાન ર૩.પ સે.ગ્રે. ભેજનું પ્રમાણ ૪૯ ટકા, પવનની ગતિ ૬.૪ કિ.મી. છે.
ભાવનગર
(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. તેમજ પવનની ઝડપ વધતા ઠંડીની તીવ્રતા વધી છે. આજે લઘુતમ તાપમાન ૩ ડીગ્રી ઘટીને ૧૩.૧ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે પવનની ઝડપ વધીને ૧૪ કિ.મી. પ્રતિ કલાકની થઈ હતી.
ભાવનગરમાં ઠંડો પવન પવન ફૂંકાતા તેમજ લઘુતમ તાપમાન ઘટતા ઠંડીની તીવ્રતા વધી છે. આજે શનિવારે ભાવનગર શહેરનું લઘુત્તમ તાપમાન ૩ ડીગ્રી ઘટીને ૧૩.૧ ડિગ્રી નોંધાયું હતું. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૫૬ ટકા રહ્યું છે. જ્યારે પવનની ઝડપ ૧૪ કિ.મી. પ્રતિ કલાકની રહી હતી.(૬.૮)

(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
