News of Saturday, 24th January 2026
ઉપલેટામાં પીઠડ માતાજીના મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ખુલ્યોઃ ૧૧.૮૦ લાખના દાગીના સાથે ચંદ્રેશ ઝડપાયો
ખાખીજાળીયા રોડ પર રહેતો શખ્સ મોજશોખ પુરા કરવા કાર લઇને મંદિરે આવ્યો હતો અને માતાજીના દાગીના ચોરી ગયો હતોઃ વેંચે એ પહેલા ઉપલેટા પીઆઇ બી. આર. પટેલ અને ટીમે દબોચી લીધો

રાજકોટ તા. ૨૪:ઉપલેટામાં આવેલા સુવા પ્લોટ વિસ્તારમાં સુવા પરિવારના કુળદેવી શ્રી પીઠડ માતાજીના મંદિરમાં તસ્કરોએ મુખ્ય દરવાજા અને ગર્ભગળહના તાળા તોડી આશરે રૂા.૧૧,૮૦,૦૦૦ની કિંમતના માતાજીના સોનાના ઘરેણાંની ચોરી થતાં ચકચાર મચી ગઇ હતી. આ ચોરીનો ભેદ ઉપલેટા પોલીસે ઉકેલી ઉપલેટામાં જ રહેતાં શખ્સને પકડી લઇ મુદ્દામાલ કબ્જે કર્યો છે.
જાણવા મળ્યા મુજબ ચોરીના આ બનાવમાં મંદિરના વહીવટકર્તા દેવેનભાઈ સોમાતભાઈ સુવા દ્વારા ઉપલેટા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી. જેમાં જણાવાયું હતું કે તા. ૨૧ના રાતના દસથી તા. ૨૨ના સવારના છ સુધીમાં ચોરી થઇ હતી. તેઓ મંદિરે આરતી કરવા ગયા ત્યારે મુખ્ય દરવાજા અને ગર્ભગળહના તાળા તૂટેલા જણાયા હતા.
તસ્કરો માતાજીની મૂર્તિ પરથી નીચે મુજબના સોનાના આભૂષણોની ચોરી કરી ગયા હતાં. સોનાનું છતર આશરે પાંચ તોલા કિંમત ૬,૫૦,૦૦૦, સોનાનું ડોકિયું-હાર આશરે બે તોલા કિંમત ૨,૬૦,૦૦૦, સોનાની પાંદડીઓ બે તોલા કિંમત ૨,૬૦,૦૦૦ અને સોનાની નથણી કિંમત ૧૦,૦૦૦ મળી કુલ ચોરીઃ આશરે ૧૧,૮૦,૦૦૦ની ચોરી થઇ હતી.
મંદિરમાં ચોરી થયાની જાણ થતા જ સુવા પરિવારના સભ્યો અને આગેવાનો એકઠા થયા હતા. ચોરી થઇ એ દિવસેમાતાજીનો પ્રાગટય દિવસ હોવાથી તેની તૈયારીઓમાં વ્યસ્ત હોવાને કારણે ફરિયાદ નોંધાવવામાં થોડો વિલંબ થયો હોવાનું જણાવાયું હતું. ઉપલેટા પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
દરમિયાન ઉપલેટા પોલીસ મથકના હેડકોન્સ. કોૈશિકભાઇ જોષીની બાતમી પરથી ખાખીજાળીયા રોડ પર રઘુવંશી સોસાયટીમાં રહેતાં ચંદ્રેશ ગુણવંતરાય બાંભણીયાને આ ચોરીમાં ઝડપી લેવાયો છે. તેની પાસેથી સોનાનુ છતર, ડોકીયુ, કાનની પાંદડીઓ, નથણી સહિત તમામ દાગીના અને જીજે૦૩એમએલ-૪૨૮૮ નંબરની ૪ લાખની આઇ-ટેન કાર જપ્ત કરવામાં આવી છે. કાર લઇને આ ચોર ચોરી કરવા નીકળ્યો હતો.
જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરની સુચના અંતર્ગત ઉપલેટા પીઆઇ બી.આર. પટેલ, પીએસઆઇ એસ. પી. ભટ્ટ, એએસઆઇ ધરમચંદ કટોચ, નિલેષભાઇ ચાવડા, હેડકોન્સ. કોૈશિકભાઇ જોષી, હરેશભાઇ જાંબુકીયા, કોન્સ. રઘુભાઇ ઘેડ, પ્રફુલભાઇ ભરડા અને રાહુલભાઇ વાંઝાએ આ કામગીરી કરી હતી.
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
