News of Saturday, 24th January 2026
ધોરાજીમાં સોશિયલ મીડિયાના માધ્યમથી ઘડીયાળ વેંચવાના નામે સાયબર કૌભાંડઃ ૪ શખ્સ સામે ગુનો
ઇન્સ્ટાગ્રામ આઇડી પર મોંઘી ઘડિયાળોનના વિડીયો-ફોટા મુકી લોકોને શીશામાં ઉતારતાં: એડવાન્સ પેમેન્ટ લઈ ગ્રાહકોને બ્લોક કરી દેતાં ૧૭ હજાર ફલોઅર્સ ધરાવતાં પેજ દ્વારા શિકાર શોધતાં: ફેક એપ્લીકેશનથી કુરીયર ટ્રેકીંગ મોકલી ઠગાઇ થતીઃ સિકંદર શેખ, સુફીયાન શેખ, ઉસ્માન શેખ અને અહેમદ કાગડા વિરૂધ્ધ ગુનો નોંધાયો

રાજકોટ તા. ૨૫: રાજકોટ ગ્રામ્ય સાયબર ક્રાઈમ સેલ અને ધોરાજી સિટી પોલીસને ઓનલાઈન છેતરપિંડી આચરતી એક ટોળકીનો પર્દાફાશ કર્યો છે. ઇન્સ્ટાગ્રામ પર લક્ઝરી ઘડિયાળોની જાહેરાત મુકી ગ્રાહકોને છેતરીને રૂપિયા પડાવતા ચાર શખ્સો વિરૂધ્ધ સાયબર ક્રાઈમ અને છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ બારામાં ધોરાજી પોલીસે ધોરાજી સુધરાઇ કોલોનીમાં રહેતાં સિકંદર સલીમ શેખ, સુફીયાન સલીમ શેખ, દાણાવાલા ચોકના ઉસ્માન સલીમ કાંગડા અને અહેમદ સલીમ કાંગડા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
પોલીસની તપાસમાં ખૂલેલી વિગત મુજબ, મુખ્ય સૂત્રધાર ઉસ્માન સલીમ કાંગડા છેલ્લા દોઢ વર્ષથી ઇન્સ્ટાગ્રામ પર ll_chrono247_ll નામનું એકાઉન્ટ ચલાવતો હતો. આ એકાઉન્ટમાં ૧૭,૧૦૦ થી વધુ ફોલોઅર્સ બનાવી તેણે લોકોનો વિશ્વાસ જીત્યો હતો. તે મોંઘીદાટ અને બ્રાન્ડેડ ઘડિયાળોના આકર્ષક વિડીયો મૂકી ગ્રાહકોને પોતાની જાળમાં ફસાવતો હતો. ગ્રાહકો જ્યારે વોટ્સએપ બિઝનેસ નંબર ૭૦૪૩૨ ૪૨૭૪૯ પર સંપર્ક કરતા, ત્યારે તેમને એડવાન્સ પેમેન્ટ ચુકવવા કહેતો હતો.
આ ટોળકી 'SELLOSHIP' નામની એક એપ્લિકેશનનો પણ ઉપયોગ કરતી હતી. જ્યારે કોઈ ગ્રાહક નાણાં ચૂકવવામાં ખચકાટ અનુભવે, ત્યારે આરોપીઓ આ એપ દ્વારા નકલી કુરિયર ટ્રેકિંગ આઈડી જનરેટ કરીને મોકલતા હતા. ગ્રાહકને લાગતું કે તેમનું પાર્સલ રવાના થઈ ગયું છે, એટલે તેઓ પૂરેપૂરા નાણાં ટ્રાન્સફર કરી દેતા. નાણાં મળ્યા બાદ તુરંત જ ગ્રાહકનો નંબર બ્લોક કરી દેવામાં આવતો હતો.
આ કૌભાંડમાં ઉસ્માન તેના ભાઈઓ અને મિત્રોને પણ સામેલ કર્યા હતા. પોલીસ તપાસમાં સામે આવેલા બેંક ખાતાઓની વિગતો જોઇએ તો સિકંદર સલીમ શેખ-વલસાડના ઉમરગામ પોલીસ સ્ટેશનની ફરિયાદ મુજબ તેના ખાતામાં છેતરપિંડીના નાણાં જમા થયા હતા. સુફિયાન સલીમ શેખ-તેના ખાતામાં વેસ્ટ બંગાળના દક્ષિણ દિનાજપુર સાયબર ક્રાઈમ હેઠળ નોંધાયેલી ફરિયાદના ૫૦,૦૦૦ સહિત કુલ ૫૮,૦૦૦ જમા થયા હતા. આ વ્યવસ્થા બદલ સાથીદારોને નાણાં ઉપાડી આપવા બદલ ૨૦ ટકા કમિશન મળતું હતું, જ્યારે બાકીના ૮૦ ટકા નાણાં તેઓ ઉસ્માનને રોકડા પહોંચાડતા હતા.
રાજકોટ ગ્રામ્ય સાયબર સેલને સમન્વય અને એનસીસીઆરપી પોર્ટલ પરથી આ બેંક ખાતાઓ વિશે શંકાસ્પદ માહિતી મળી હતી. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની ધોરાજી અને જમનાવડ રોડ શાખાના ખાતાઓની તપાસ કરતા અને કેવાયસી વિગતો ચકાસતા આ સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો હતો. પોલીસને તપાસ દરમિયાન આરોપીઓના મોબાઈલમાંથી છેતરપિંડી માટે વપરાતા ક્યુઆર કોડ અને ગ્રાહકો સાથેના ચેટિંગના પુરાવા પણ મળી આવ્યા છે.
પોલીસ તપાસમાં એક ચોંકાવનારી વિગત એ બહાર આવી છે કે આ ટોળકી માત્ર છેતરપિંડી જ નહોતી કરતી પરંતુ પુરાવાનો નાશ કરવા માટે અત્યંત સાવધ રહેતી હતી. મુખ્ય સૂત્રધાર ઉસ્માન કાંગડા ગ્રાહકોને સીધા પોતાના ખાતામાં નાણાં મોકલવાને બદલે તેના સહ-આરોપી ભાઈઓ અને મિત્રોના ખાતાના ક્યુઆર કોડ મોકલતો હતો. તપાસ દરમિયાન પોલીસને આરોપીઓના મોબાઈલ ગેલેરીમાંથી અનેક ગ્રાહકો સાથેના ચેટિંગના સ્ક્રીનશોટ અને બેંક ડિટેઇલ મળી આવી છે. આરોપીઓ સાયબર ફ્રોડની રકમ બેંકમાં જમા થયાના ગણતરીના કલાકોમાં જ એટીએમ મારફતે રોકડ ઉપાડી લેતા હતા, જેથી બેંક એકાઉન્ટ ફ્રીઝ થાય તો પણ નાણાં બચાવી શકાય. આ માટે ખાતાધારકોને ફિક્સ ૨૦ ટકા કમિશન આપી ગુનામાં ભાગીદાર બનાવવામાં આવતા હતા. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ટોળકીએ રાજ્ય બહાર અન્ય કેટલા લોકોના ખાતાનો ભાડેથી ઉપયોગ કર્યો છે. પીઆઇ કે. એચ. ગરચર અને ટીમે વધુ તપાસ હાથ ધરી છે.
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
