<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th January 2026

પતિ શારીરિક સંબંધ બાંધવામાં અસક્ષમ છતાં વારસદાર માટે જંગવડ ગામની પરિણીતા પર સિતમ

પરિણીતાને મોકલશો તો જીવતી નહી રાખીએ તેવી ધમકી, ૭ સામે ગુનો

આટકોટ, તા. ર૪: જંગવડ ગામે રહેતી અને એમબીએ સુધીનો ઉચ્‍ચ અભ્‍યાસ કરનાર પરિણીતાને સુરતના સાસરિયાઓએ શારીરિક-માનસિક ત્રાસ આપીને ઘરમાંથી કાઢી મૂકતા ચકચાર મચી ગઈ છે. પતિની શારીરિક નબળાઈ છૂપાવવા માટે સાસરિયાઓએ ઉલટાનું પુત્રવધૂ પર જ અત્‍યાચાર ગુજાર્યો અને વારસદારની માંગણી સાથે ઢોર માર માર્યો હોવાની ફરિયાદ આટકોટ પોલીસમાં નોંધાઈ છે.

પરિણીતાએ સુરતમાં રહેતા સાસરી પક્ષના પાર્થ હસમુખભાઈ પરસાણા (પતિ), જ્‍યોત્‍સનાબેન હસમુખભાઈ પરસાણા (સાસુ), હસમુખભાઈ પરસાણા (સસરા), ધાર્મિક હસમુખભાઈ પરસાણા (જેઠ). રિદ્ધિબેન ધાર્મિકભાઈ પરસાણા (જેઠાણી), આશાબેન શૈલેષભાઈ દેસાઈ (ફઈજી) અને શૈલેષભાઈ દેસાઈ (ફુવા) ના નામજોગ ફરિયાદ નોંધાવી છે. ૨૦૨૨ માં સુરતમાં લગ્ન થયાના બે મહિનામાં પરિણીતાને જ મેણાટોણા મારી માનસિક ત્રાંસ આપતા હતા. સાસુ-સસરા અને જેઠાણી જાણતા હતા કે ખામી પુત્રમાં છે, છતાં તેઓ વંશવેલો આગળ વધારવા માટે પુત્રવધૂ પર દબાણ કરી તેને શારીરિક ત્રાસ આપતા હતા. જ્‍યારે ફઈ અને ફુવાની ચડામણીથી પતિ વારંવાર હાથ ઉપાડતો હતો. ગત માર્ચ મહિનામાં પતિ પત્‍નીને પિયર મૂકી ગયો અને માળીય તેના પિતા સાથે પણ ઉદ્ધત વર્તન કર્યું હતું. બાદમાં જંગવડમાં પિયરે રહેતી પરિણીતાના પિતાએ સમાધાનનો પ્રયાસ કરતા સાસરિયાઓએ કહ્યું કે, જો પરાણે દીકરીને મોકલશો તો અમે તેને જીવતી રહેવા નહીં દઈએ. આટકોટ પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. ઉચ્‍ચ શિક્ષિત દીકરીએ ન્‍યાય માટે પોલીસના દ્વાર ખખડાવતા આટકોટ પોલીસ વધુ તપાસ હાથ ધરી છે

(11:46 AM IST)