હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કચ્છના ગોઝારા ભૂકંપને ૨૫ વર્ષ: કાટમાળ નીચે ૩ દિવસ શ્વાસ લેતું ‘જીવન’ અને મોતની ચીસો વચ્ચે જન્મેલો ‘ભૂકંપ’
૨૬મી જાન્યુઆરી, ૨૦૦૧ના રોજ સર્જાયેલા મહાવિનાશમાં પણ કુદરતે બે અજાયબી સર્જી હતી: વાંચો, અંજારના મુર્તઝા અને ‘ભૂકંપ’ રબારીની હૃદયસ્પર્શી દાસ્તાન

ભુજ: તારીખ ૨૬મી જાન્યુઆરી, ૨૦૦૧. સવારના ૮:૪૦ વાગ્યાનો સમય. ભારત પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં વ્યસ્ત હતું, ત્યારે ગુજરાતની ધરતી ધ્રુજી ઉઠી હતી. કચ્છમાં આવેલો એ પ્રચંડ ભૂકંપ હજારો જિંદગીઓને ભરખી ગયો હતો. પરંતુ, કહેવાય છે ને કે ‘રાખે રામ તેને કોણ ચાખે’. આ મહાવિનાશ અને મોતના તાંડવ વચ્ચે પણ જીવન જીતી ગયું હતું. આજે જ્યારે આ ઘટનાને ૨૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે બે એવી સત્ય ઘટનાઓ સામે આવી છે જે કુદરતના કરિશ્માની સાક્ષી પૂરે છે.
*ચમત્કાર-૧: કાટમાળ નીચે ૩ દિવસ સુધી મોત સામે જંગ લડી જીતનાર ‘મુર્તઝા’ :*
અંજાર તાલુકાની વોહરા કોલોની. ભૂકંપના આંચકા શરૂ થયા અને જોતજોતામાં આખી કોલોની કાટમાળમાં ફેરવાઈ ગઈ. અંદાજે ૩૦૦ રહીશોમાંથી ૧૨૩ લોકોએ જીવ ગુમાવ્યા. આ કરુણાંતિકાના સાક્ષી એવા અસગરઅલી લાકડાવાલા જણાવે છે કે માંડવીમાં રહેતા તેમના સસરાના પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. આ હોનારતમાં પરિવારના ૮ સભ્યો (દાદા, માતા-પિતા, કાકા, ફોઈ અને બે બહેનો) મૃત્યુ પામ્યા હતા. મુર્તઝાના દાદી તે સમયે મોરબી ગયા હોવાથી બચી ગયા હતા.
આ આખા પરિવારનો ખાતમો બોલી ગયો હતો, પરંતુ કાટમાળ નીચે દબાયેલું ૮ મહિનાનું બાળક શ્વાસ લઈ રહ્યું હતું. આ બાળક એટલે મુર્તઝા. સતત ૩ દિવસ (૭૨ કલાક) સુધી કાટમાળ નીચે દબાયેલા મુર્તઝાને ભારતીય સેનાના જવાનોએ બચાવ્યો હતો. જેવો પથ્થર હટાવવામાં આવ્યો કે નીચેથી આ જીવતો જાગતો ચમત્કાર મળી આવ્યો હતો.
સેનાના જવાનો દેવદૂત બન્યા: આર્મીની મેડિકલ ટીમે તેને તાત્કાલિક સારવાર આપી. મુર્તઝાને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. તેને વધુ સારવાર માટે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તે ૨૧ દિવસ સુધી સારવાર હેઠળ રહ્યો હતો. સાજા થયા બાદ મુર્તઝા તેના દાદી સાથે રહ્યો અને જ્યારે તે દોઢ વર્ષનો થયો ત્યારે તેના કાકા અસગરઅલીએ તેને દત્તક લીધો. આજે ૨૫ વર્ષનો મુર્તઝા ભુજમાં તેના કાકા સાથે હાર્ડવેરના વ્યવસાયમાં મદદ કરે છે. તેના ચહેરા પરના ડાઘ આજે પણ ૨૦૦૧ના ભૂકંપની યાદ અપાવે છે.
*ચમત્કાર-૨: ધરતી ધ્રુજતી હતી અને જન્મ થયો, અમેરિકન ડોક્ટરે નામ પાડ્યું ‘ભૂકંપ’*:
બીજી કહાની છે કચ્છના એક એવા બાળકની જેનો જન્મ જ આ હોનારત સાથે થયો. ૨૬ જાન્યુઆરીની સવારે શનિબેન રબારી ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે તેમને પ્રસૂતિની પીડા ઉપડી. તેઓ ઘરે પરત ફર્યા અને સવારે ૮:૪૦ વાગ્યે પ્રચંડ ભૂકંપ આવ્યો. બરાબર ૫ મિનિટ બાદ, એટલે કે ૮:૪૫ વાગ્યે ધ્રુજતી ધરતી અને તૂટતા મકાનો વચ્ચે શનિબેને એક દીકરાને જન્મ આપ્યો.
શનિબેન યાદ કરે છે કે, આંચકા એટલા તેજ હતા કે તે બેભાન થઈ ગયા હતા. હોશ આવ્યો ત્યારે તેઓ પાડોશીના ઓટલા પર હતા. ચારે બાજુ વિનાશ હોવાથી માતા કે નવજાત શિશુને બે દિવસ સુધી કોઈ તબીબી સારવાર મળી ન હતી.
*‘તમે આને ગમે તે નામ આપો, પણ આ સાચો ભૂકંપ છે’*:
ભૂકંપના ત્રીજા દિવસે અમેરિકાથી ડોક્ટરોની એક ટીમ તે ગામમાં પહોંચી. જ્યારે નર્સે શનિબેનને બાળકના નામ વિશે પૂછ્યું તો તેમણે કહ્યું કે હજુ નામ પાડ્યું નથી. ત્યારે અમેરિકન ડોક્ટરે આશ્ચર્યચકિત થઈને કહ્યું હતું કે, "આટલી મોટી હોનારત અને વિનાશ વચ્ચે પણ આ બાળક બચી ગયું છે, તેનું નામ ‘ભૂકંપ’ (અર્થક્વેક) રાખવું જોઈએ." ત્યારથી પરિવાર અને ગામલોકો તેને 'ભૂકંપ' કહીને બોલાવવા લાગ્યા.
શનિબેનના પુત્ર ભૂકંપ રબારી હવે યુવાન છે અને ડ્રાઈવિંગનું કામ કરે છે. તે કહે છે કે નાનપણમાં બીજા બાળકો તેને ‘ભૂકંપ-ભૂકંપ’ કહીને ચીડવતા હતા, ત્યારે તેને સમજણ નહોતી પડતી. પરંતુ હવે તેને સમજાય છે કે તેનું નામ નકારાત્મક નથી, પરંતુ તે મૃત્યુ પર જીવનના વિજયની નિશાની છે.
આ બંને યુવાનો આજે ૨૫ વર્ષના છે. એકનો પુનર્જન્મ કાટમાળમાંથી થયો અને બીજાનો જન્મ આફતની વચ્ચે થયો. કચ્છની ખમીરવંતી પ્રજાની જેમ આ બંને યુવાનો પણ આજે અડીખમ ઉભા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
