તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Sunday, 25th January 2026
સુરેન્દ્રનગરમાં તંત્રની નિંભરતા: કેનાલમાં ૨૦ ફૂટનું ગાબડું અને ૩૬ કલાક સુધી વહેતું રહ્યું પાણી, ખેડૂતોના 'સોના' જેવા પાક પર ફરી વળ્યું કાળું પાણી
જવાબદાર અધિકારીઓ એરકંડિશનર ઓફિસોમાં કેદ અને ધરતીપુત્રોના આંખમાં આસુ: ઝરવલા-સુરજપુરા કેનાલ તૂટતા જીરું અને વરિયાળીના ખેતરો બેટમાં ફેરવાયા, લાખોના ખર્ચે કરેલું વાવેતર નાશ પામતા ખેડૂતોએ પૂછ્યું - 'અમારા નુકસાનનો હિસાબ કોણ આપશે?'

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લાના ઝરવલા અને સુરજપુરા વચ્ચેથી પસાર થતી નર્મદાની માઈનોર કેનાલમાં મસમોટું ગાબડું પડતા તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ છે. અત્યંત આઘાતજનક બાબત એ છે કે, આ ઘટનાને ૩૬ કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં નર્મદા વિભાગના કુંભકર્ણની નિદ્રામાં પોઢેલા અધિકારીઓએ કેનાલનું પાણી બંધ કરવાની તસ્દી પણ લીધી નથી. હજારો લીટર પાણી સતત વહી રહ્યું છે, જેના કારણે આસપાસના વિસ્તારના ખેતરો હવે ખેતરો મટીને તળાવ બની ગયા હોય તેવી ભયાનક સ્થિતિ સર્જાઈ છે. તંત્રની આ ઘોર બેદરકારીએ ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો છે.
અત્યારે શિયાળુ પાક તેની ચરમસીમાએ છે. સુરેન્દ્રનગરના ખેડૂતોએ દેવું કરીને અને લોહીનું પાણી કરીને જીરું, વરિયાળી, ઘઉં અને ચણા જેવા કિંમતી પાકોનું વાવેતર કર્યું હતું. ખેડૂતો આશા રાખીને બેઠા હતા કે આ વર્ષે સારો પાક ઉતરશે અને આર્થિક ભીંસ દૂર થશે. પરંતુ, કેનાલના ગાબડામાંથી ધસમસતા આવતા પાણીએ આ તમામ આશાઓ પર ફરી વળ્યું છે. ખેતરોમાં ગોઠણસમા પાણી ભરાઈ જવાથી કિંમતી જીરું અને વરિયાળીનો પાક સડી જવાની અણી પર છે. ખેડૂતો માટે આ માત્ર પાકનું નુકસાન નથી, પણ તેમના આખા વર્ષની મજૂરી અને મૂડીનું ધોવાણ છે.
ખેડૂતોમાં રોષની જ્વાળા ભભૂકી રહી છે. સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે ગાબડું પડ્યાની મિનિટોમાં જ સત્તાધીશોને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી, છતાં એક પણ એન્જિનિયર કે સુપરવાઈઝર ડોકિયું કરવા પણ આવ્યો નથી. કેનાલના નબળા બાંધકામને કારણે વારંવાર પડતા ગાબડાઓ હવે ખેડૂતો માટે કાયમી શ્રાપ બની ગયા છે. તંત્ર દ્વારા કેનાલ રિપેરિંગના નામે કરોડોના આંધણ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતામાં ખેડૂતોના નસીબમાં માત્ર નુકસાન જ લખાયેલું હોય તેવું લાગી રહ્યું છે. જવાબદાર અધિકારીઓની આ ઉદાસીનતા સામે હવે ઉગ્ર આંદોલનના એંધાણ વર્તાઈ રહ્યા છે.
પીડિત ખેડૂતોની હવે સરકાર પાસે સ્પષ્ટ માંગ છે કે, સૌથી પહેલા તો કેનાલનું પાણી તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે જેથી વધુ નુકસાન અટકે. ત્યારબાદ યુદ્ધના ધોરણે કેનાલનું પાકું રિપેરિંગ કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવી ઘટના ન બને. સૌથી મહત્વની બાબત એ છે કે, જે ખેડૂતોના પાકને નુકસાન થયું છે તેમનું તટસ્થ પંચનામું કરી તેમને યોગ્ય વળતર ચૂકવવામાં આવે. જો સરકાર અને તંત્ર આ મામલે વહેલી તકે નિર્ણય નહીં લે, તો આગામી દિવસોમાં સુરેન્દ્રનગરના ખેડૂતો રસ્તા પર ઉતરીને ન્યાયની માંગણી કરશે તે નક્કી છે.
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
