તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૫ રવિવાર
News of Sunday, 25th January 2026
અમરેલી કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી: ૧૭ દિવસના 'મૌન' બાદ આખરે પોલીસ ફરિયાદ
રામ મંદિર અને કલેક્ટર ઓફિસમાં બ્લાસ્ટ કરવાના ધમકીભર્યા મેઈલથી વહીવટી તંત્રમાં દોડધામ; મેઈલના પખવાડિયા પછી ડિઝાસ્ટર મામલતદારે નોંધાવ્યો ગુનો, એસઓજીએ ભેદી મેઈલના મૂળ શોધવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો

અમરેલી: ગુજરાતના શાંત ગણાતા અમરેલી જિલ્લામાં ત્યારે સનસનાટી મચી ગઈ જ્યારે ખુદ જિલ્લા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાનો ખતરનાક મેઈલ સામે આવ્યો. આ ઘટનાની સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, ધમકીભર્યો ઈમેઈલ આવ્યાના પૂરા ૧૭ દિવસ બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને હવે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ગત ૬ જાન્યુઆરીના રોજ સવારે સાડા આઠ વાગ્યાના અરસામાં કલેક્ટર કચેરીના સત્તાવાર મેઈલ આઈડી પર એક સંદેશો મળ્યો હતો, જેમાં શક્તિશાળી વિસ્ફોટકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
આ ધમકીભર્યા મેઈલમાં લખવામાં આવ્યું હતું કે, "રામજન્મભૂમિ મંદિર અને કલેક્ટર ઓફિસમાં ટૂંક સમયમાં ચાર શક્તિશાળી બોમ્બ ફૂટશે." એટલું જ નહીં, મેઈલ મોકલનાર શખ્સે લોહીયાળ જંગની ચેતવણી આપતા જણાવ્યું હતું કે અકસ્માત ટાળવા માટે તાત્કાલિક કલેક્ટર કચેરી ખાલી કરી દેવામાં આવે. અયોધ્યામાં રામ મંદિરના મુદ્દાને જોડીને અપાયેલી આ ધમકીએ સુરક્ષા એજન્સીઓના કાન સરવા કરી દીધા હતા. જોકે, તંત્રએ આટલા દિવસો સુધી કેમ રાહ જોઈ તે હવે ચર્ચાનો વિષય બન્યો છે.
આખરે ૧૭ દિવસના લાંબા અંતરાલ બાદ ડિઝાસ્ટર મામલતદાર અશોક મકવાણાએ અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગંભીરતા દાખવી આઈપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ મેઈલ કોઈ ટીખળખોરનું કૃત્ય છે કે પછી કોઈ ઊંડું ષડયંત્ર, તે જાણવા માટે પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સાયબર એક્સપર્ટ્સની મદદથી મેઈલના આઈપી એડ્રેસને ટ્રેસ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ધમકીના સમાચાર વાયુવેગે પ્રસરતા કલેક્ટર કચેરીના કર્મચારીઓ અને મુલાકાતીઓમાં ફાળ પડી ગઈ છે. હાલ કચેરીમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે અને દરેક આવનાર-જનાર વ્યક્તિ પર બાજ નજર રાખવામાં આવી રહી છે. અમરેલી એસઓજી એ તપાસ શરૂ કરી છે કે આ મેઈલ ક્યાંથી અને કોના દ્વારા મોકલવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં આ મામલે મોટા ખુલાસા થવાની શક્યતા છે, પરંતુ ૧૭ દિવસના વિલંબે વહીવટી તંત્રની ગંભીરતા પર અનેક સવાલો ઉભા કર્યા છે.
(3:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
