હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કેશોદના સોંદરડામાં ‘મોતની રફ્તાર’ : ૧૪૦ની સ્પીડે દોડતી કાર દુકાનમાં ઘૂસી : સ્પીડોમીટર જોઈ પોલીસ પણ સ્તબ્ધ!
સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા પૂરપાટ ઝડપે આવતી કાર દીવાલ અને શટર તોડી અંદર ખાબકી : કમકમાટીભર્યા અકસ્માતના CCTV ફૂટેજ આવ્યા સામે : દરવાજો તોડી ચાલકને લોહીલુહાણ હાલતમાં બહાર કઢાયો

કેશોદ : જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના સોંદરડા ગામમાં આજે વહેલી સવારે એક કાળજું કંપાવી દે તેવી દુર્ઘટના સર્જાઈ હતી. ‘રોડ સેફ્ટી’ના તમામ નિયમોને નેવે મૂકીને ૧૪૦ કિમી પ્રતિ કલાકની તોફાની ઝડપે દોડતી એક લક્ઝુરિયસ કારે સોંદરડા ગામના મુખ્ય માર્ગ પર મોતનું તાંડવ સર્જ્યું હતું. આ ભયાનક અકસ્માતમાં કાર સીધી જ માર્ગની સાઈડમાં આવેલી લોખંડની ચીજવસ્તુઓની એક દુકાનમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી.
ધડાકો એટલો જોરદાર કે દુકાનના ફુરચા ઉડી ગયા:
સોંદરડા ગામના મુખ્ય માર્ગ પર સર્જાયેલી આ ઘટનાના લાઈવ સીસીટીવી (CCTV) ફૂટેજ સામે આવ્યા છે, જે જોનારાના રૂંવાડા ઉભા કરી દે તેવા છે. ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે કાર વાયુવેગે પસાર થઈ રહી હતી, પરંતુ વળાંક પાસે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. કાર એટલી ગતિમાં હતી કે તે દુકાનનું મજબૂત લોખંડનું શટર અને દીવાલ તોડીને અંદર ઘૂસી ગઈ હતી. અકસ્માતને પગલે આસપાસના વિસ્તારમાં ભૂકંપ જેવો ધડાકો સંભળાયો હતો અને લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી.
દરવાજો તોડીને ચાલકને બહાર કઢાયો:
અકસ્માત બાદ કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને તેના તમામ દરવાજા લોક થઈ ગયા હતા. કારમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ચાલકને બહાર કાઢવા માટે સ્થાનિક લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી. અંતે દરવાજો તોડીને લોહીલુહાણ હાલતમાં ચાલકને બહાર કાઢી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
૧૪૦ની ઝડપે સોય જામ થઈ ગઈ:
પોલીસ તપાસ દરમિયાન કારની અંદર જે દ્રશ્ય જોવા મળ્યું તેનાથી અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. અકસ્માતની ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અથડામણ બાદ કારનું સ્પીડોમીટર ૧૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે જ જામ થઈ ગયું હતું. આ ગતિ હાઈવે પર નિર્ધારિત મર્યાદા કરતા અનેકગણી વધારે હતી.
સદનસીબે વહેલી સવારનો સમય હોવાથી અને દુકાન બંધ હોવાથી મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ દુકાન માલિકને લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે. પોલીસે હાલ અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
