<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th January 2026

ભુજમાં આન-બાન-શાન સાથે ગણતંત્ર પર્વની ઉજવણી : રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાએ તિરંગો લહેરાવી કચ્છના નવસર્જનની વિકાસગાથાને બિરદાવી

ભૂકંપના વિનાશમાંથી ‘દેશનું ઉદાહરણ’ બનેલા કચ્છમાં માર્ચ પાસ્ટ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને આકર્ષક ટેબ્લોની રમઝટ : મંત્રીએ તાલુકા વિકાસ માટે ૨૫ લાખનો ચેક અર્પણ કર્યો : વડાપ્રધાન નરેન્દ્રભાઈના વિઝનથી કચ્છ સોલાર અને બાગાયતી હબ બન્યું હોવાનો ઉલ્લેખ

વિનોદ ગાલા દ્વારા, ભુજ : કચ્છની ખમીરવંતી ધરા પર ‘૭૭મા પ્રજાસત્તાક પર્વ’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ભુજ ખાતે આયોજિત જિલ્લા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા પ્રભારી મંત્રી કાંતિલાલ અમૃતિયાએ ગૌરવભેર રાષ્ટ્રધ્વજ લહેરાવી કચ્છીઓને ગણતંત્ર દિનની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે તેમણે દેશના સ્વાતંત્ર્યવીરો અને શહીદોને નતમસ્તક વંદન કરી કચ્છના અકલ્પનીય પરિવર્તનની વાત કરી હતી.
વિનાશમાંથી નવસર્જન: ૨૫ વર્ષની સંઘર્ષગાથા
રાજ્યમંત્રીએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, ૨૫ વર્ષ પહેલાં ભૂકંપમાં પડી ભાંગેલું કચ્છ આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકાસના વિઝન અને કચ્છીઓના ખમીરને કારણે વિશ્વ સમક્ષ નવસર્જનનું ઉત્તમ ઉદાહરણ બન્યું છે. તેમણે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના યોગદાનને યાદ કરતા કહ્યું કે, જે પ્રદેશ માટે લોકો કહેતા હતા કે આ ફરી બેઠો નહીં થાય, તે આજે સોલાર એનર્જી, બાગાયતી ખેતી અને પ્રવાસન ક્ષેત્રે દુનિયાના નકશામાં ગાજતું થયું છે. "કચ્છ નહીં દેખા તો, કુછ નહીં દેખા" એ ઉક્તિ આજે સાર્થક થઈ છે.
વિકાસના વિવિધ પાસાઓ અને લોકકલ્યાણ:
મંત્રીએ નોંધ્યું હતું કે, એક સમયે પાણી માટે હિજરત કરતા કચ્છમાં આજે ઘર-ઘર સુધી નર્મદાના નીર પહોંચ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત વિકાસના પથ પર મક્કમતાથી આગળ વધી રહ્યું છે. કાર્યક્રમ દરમિયાન મંત્રીએ કલેક્ટર આનંદ પટેલને તાલુકાના વિકાસ માટે ૨૫ લાખની ગ્રાન્ટનો ચેક અર્પણ કર્યો હતો. આ ઉપરાંત વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનારા પ્રતિભાઓનું સન્માનપત્ર આપી બહુમાન કરાયું હતું.
સાંસ્કૃતિક કાર્યક્રમો અને શક્તિ પ્રદર્શન:
કલેક્ટર આનંદ પટેલ અને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા સાથે મંત્રીએ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ વિવિધ પ્લાટુનો દ્વારા માર્ચ પાસ્ટ કરવામાં આવી હતી. શાળાના બાળકો દ્વારા રજૂ કરાયેલ દેશભક્તિ ગીત, પિરામિડ, પાઇપ બેન્ડ નૃત્ય અને ડોગ-ઘોડેસવારીના કરતબોએ જનમેદનીને મંત્રમુગ્ધ કરી હતી. વિવિધ વિભાગો દ્વારા સરકારની યોજનાઓની જાણકારી આપતા આકર્ષક ટેબ્લો પણ રજૂ કરાયા હતા.
મહાનુભાવોની ઉપસ્થિતિ:
આ ગરિમામય પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્યો કેશુભાઇ પટેલ, અનિરુધ્ધભાઇ દવે, માલતીબેન મહેશ્વરી, પ્રદ્યુમનસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ભુજ નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી, તાલુકા પંચાયત પ્રમુખ વિનોદ વરસાણી, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પોલીસ અધિક્ષક સાગર બાગમાર, નિવાસી અધિક કલેક્ટર ડી. પી. ચૌહાણ અને આર્મીના ઉચ્ચ અધિકારી વિકાસ પ્રભાકર સહિતના પદાધિકારીઓ-અધિકારીઓ અને નગરજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરીને પર્યાવરણ રક્ષણનો સંદેશ અપાયો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મનન ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું.

(7:15 PM IST)