<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th January 2026

અમરેલીના ખીસરી ગામે લગ્ન મંડપમાં ‘રોટલી’ માટે રણસંગ્રામ : જાનૈયા અને માંડવિયા વચ્ચે લોહિયાળ જંગ : ૧૫ લોકો ઘાયલ

જમણવારમાં પીરસવા બાબતે નજીવી રકઝક થતા મામલો બિચક્યો : લાકડી-પાઈપ અને ડંડા વડે સામસામે હુમલા : ઉશ્કેરાયેલા શખ્સોએ કાર ચઢાવી દેવાનો પણ કર્યો પ્રયાસ

અમરેલી : જિલ્લાના ધારી તાલુકાના ખીસરી ગામે એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ખુશીના અવસરે ભારે ધિંગાણું સર્જાયું હતું. સાંભળીને નવાઈ લાગે તેવી વાત છે કે જમણવારમાં માત્ર રોટલી પીરસવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ વિવાદમાં વરપક્ષ અને કન્યાપક્ષના લોકો આમને-સામને આવી જતા લગ્ન મંડપ યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયો હતો.
ગામના ચોક સુધી પહોંચી મારામારી:
અમરેલીના ચક્કરગઢ ગામેથી ખીસરી ખાતે જાન આવી હતી. જમણવાર ચાલી રહ્યો હતો તે દરમિયાન રોટલી પીરસવા બાબતે મહેમાનો અને યજમાન પક્ષ વચ્ચે રકઝક થઈ હતી. જોતજોતામાં વાત એટલી વણસી ગઈ કે બંને પક્ષના લોકો ઉશ્કેરાઈ ગયા હતા. કોઈના હાથમાં પાઈપ તો કોઈના હાથમાં ડંડા અને ઝાડની ડાળીઓ આવી ગઈ હતી. મંડપથી શરૂ થયેલી આ મારામારી છેક ગામના ચોક સુધી પહોંચી હતી, જ્યાં લોકો જાહેરમાં એકબીજા પર તૂટી પડ્યા હતા.
કાર ચઢાવવાનો પ્રયાસ અને ૧૫ લોકો ઈજાગ્રસ્ત:
આ હિંસક અથડામણ દરમિયાન અત્યંત જોખમી દ્રશ્યો સર્જાયા હતા, જેમાં એક પક્ષે બીજા પક્ષ પર કાર ચઢાવી દઈ જીવલેણ હુમલો કરવાનો પણ પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર યાદવાસ્થળીમાં કુલ ૧૫ લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. જે પૈકી બે લોકોની હાલત અત્યંત ગંભીર હોવાથી તેઓને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે અમરેલી રિફર કરવામાં આવ્યા છે.
પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો:
લગ્ન પ્રસંગમાં થયેલા આ લોહિયાળ જંગની જાણ થતા જ ધારી પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ખીસરી ગામે પહોંચી ગયો હતો. પોલીસે મામલો થાળે પાડ્યો હતો અને ઘટનાની ગંભીરતા જોતા બંને પક્ષોની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે. નજીવી બાબતે થયેલા આ મોટા વિવાદે સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જગાવી છે. લગ્નની શરણાઈઓ વચ્ચે ગુંજેલા આ ચીત્કારોએ ગ્રામજનોને પણ સ્તબ્ધ કરી દીધા છે.

(9:58 PM IST)