<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

પાકિસ્‍તાનને જોડતી આંતરરાષ્‍ટ્રીય દરિયાઈ સીમા નજીક કચ્‍છના લક્કીનાળા બકલબેટ ઉપર ધ્‍વજવંદન

પ્રજાસત્તાક દિવસના એક દિ' પૂર્વે ૨૫ જાન્‍યુઆરીના સાંસદ વિનોદ ચાવડા સાથે જવાનો અને નાગરિકોએ આપી તિરંગાને સલામી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૭: પ્રજાસત્તાક દિવસના એક દિવસ પૂર્વે ૨૫ જાન્‍યુઆરીના પાકિસ્‍તાનની આંતરરાષ્‍ટ્રીય દરિયાઈ સીમા નજીક કચ્‍છ જિલ્લાના લક્કીનાળાના બકલબેટ પર ભવ્‍ય ધ્‍વજવંદન સમારોહ યોજાયો હતો. આ ગૌરવપૂર્ણ પ્રસંગે કચ્‍છ-મોરબીના લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ ચવાડાના વરદ હસ્‍તે ધ્‍વજવંદન કરવામાં આવ્‍યું હતું.

આ કાર્યક્રમ દરમિયાન દેશભક્‍તિ અને રાષ્‍ટ્રગૌરવથી ભરપૂર વાતાવરણ સર્જાયું હતું. સરહદી વિસ્‍તારમાં આયોજિત આ સમારોહમાં રાષ્‍ટ્રધ્‍વજને સલામી આપવામાં આવી અને દેશની એકતા, અખંડતા તથા સુરક્ષાપ્રતિ પ્રતિબદ્ધતાનો સંદેશ આપવામાં આવ્‍યો હતો. આ અવસરે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા સાહેબ, ભુજ વિધાનસભાના ધારાસભ્‍ય શ્રી કેશુભાઈ પટેલ સાહેબ, તેમજ ૧૭૬ બટાલિયનના CO શ્રી યોગેશકુમાર ઉપસ્‍થિત રહ્યા હતા. સાથે જ નારાયણ સરોવરના ગાદીપતિ શ્રી સોનલલાલજી મહારાજની પાવન હાજરીથી કાર્યક્રમ વધુ ગૌરવસભર બન્‍યો હતો.

કાર્યક્રમમાં નારાયણ સરોવર પોલીસ સ્‍ટાફ, વાયોર પોલીસ સ્‍ટાફ, તેમજ લખપત તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ગણપત રાજગોર, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ શ્રી જસુભા જાડેજા, આજુબાજુના સરપંચો અને તાલુકાના આગેવાનો મોટી સંખ્‍યામાં જોડાયા હતા. વિકાસભાઈ રાજગોર અને હરિસિંહ રોઠોડ સહિતના આગેવાનોની હાજરીથી કાર્યક્રમને વિશાળ જનસમર્થન મળ્‍યું હતું. સમારોહ દરમિયાન વક્‍તાઓએ રાષ્‍ટ્રસેવા, સરહદની સુરક્ષા અને દેશના વિકાસ માટે સૌને એકજુટ રહી કાર્ય કરવાની અપીલ કરી હતી. સરહદી વિસ્‍તારમાં યોજાયેલ આ ધ્‍વજવંદન સમારોહ કચ્‍છ માટે ગૌરવની ક્ષણ બની રહ્યો હતો.

(2:33 PM IST)