News of Tuesday, 27th January 2026
વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણમાં મોરબી જિલ્લાને ગ્રોથ એન્જિન બનાવવા સૌનો સહયોગ અનિવાર્યઃ કે.બી. ઝવેરી
વિશ્વ વિભૂતિ મહર્ષિ દયાનંદની જન્મભૂમિ ટંકારા ખાતે ૭૭મો જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ દેશપ્રેમના અનેરા ઉત્સાહ સાથે ઉજવાયો વહીવટમાં પારદર્શિતા માટે ગામડાઓમાં આકસ્મિક તપાસ અને જનસુખાકારીના કામો પર કલેક્ટરશ્રીએ ભાર મૂકયોઃ ટંકારા તાલુકાના વિકાસ માટે રૂ. ૨૫ લાખનો ચેક અર્પણ કરાયોઃ આકાશે ગૌરવશાળી તિરંગો લહેરાયોઃ પોલીસ પરેડની સલામી ઝીલી કલેક્ટરે વિકાસના વિવિધ આયામોની છણાવટ કરી

(જયેશ ભટ્ટાસણા - પ્રવીણ વ્યાસ દ્વારા) ટંકારા-મોરબી તા.૨૭ :.. વિશ્વ વિભૂતિ મહર્ષિ દયાનંદ સરસ્વતીની પવિત્ર તપોભૂમિ ટંકારા ખાતે ૭૭મા જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આકાશે દેશભક્તિના રંગો સાથે ગૌરવશાળી તિરંગો લહેરાયો હતો.
આ પ્રસંગે મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીએ ગરિમામયી તિરંગો લહેરાવી સલામી ઝીલ્યા બાદ પ્રાસંગિક સંબોધનમાં જણાવ્યું હતું કે, અનેક લડવૈયાઓના બલિદાન થકી પ્રાપ્ત સ્વતંત્રતા અને બંધારણની ગરિમા જાળવવી એ આપણા સૌની પવિત્ર ફરજ છે. તેમણે ટંકારાના તેજસ્વી સંતાન મહર્ષિ દયાનંદજી સહિતના મહાપુરુષોને યાદ કરી, રાષ્ટ્રની એકતા માટે જવાનોની શહાદતને નમન કરતા વિરાસતના જતન માટે સૌ નાગરિકોને ભાવપૂર્ણ અપીલ કરી હતી.
મોરબીની વિકાસ ગાથા વર્ણવતા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે તાજેતરમાં જ મળેલી રૂ. ૧૦૪૨ કરોડથી વધુના વિકાસ કામોની ભેટ જિલ્લાની પ્રગતિને બમણો વેગ આપશે અને જિલ્લામાં કાર્યરત માળખાગત પ્રકલ્પોના કામ મોરબીને ગ્લોબલ મેપ પર મજબૂત સ્થાન અપાવશે.
આ પ્રસંગે ટંકારા તાલુકાના વિકાસ માટે મહાનુભાવોના હસ્તે ૨૫ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
આ સમારોહમાં પોલીસ જવાનો દ્વારા શિસ્તબદ્ધ પરેડ, માર્ચ પાસ્ટ અને આકર્ષક ડોગ-શો રજૂ કરવામાં આવ્યો હતો. ગુજરાતની અસ્મિતાને પ્રદર્શિત કરતા સાંસ્કળતિક કાર્યક્રમો જેવા કે, ઓપરેશન સિંદૂર, ભારત કી શેરનીયાં, સંવિધાન સે સ્વાભિમાન તક, યોગ, અખંડ ભારત અને ગરબો તથા ભારતના વીર જવાનોની થીમ આધારિત સાંસ્કળતિક કાર્યક્રમોની પ્રસ્તુતિએ ઉપસ્થિત મેદનીને મંત્રમુગ્ધ કરી દીધા હતા. પોલીસ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, વન વિભાગ આરોગ્ય, શિક્ષણ અને ખેતીવાડી વિભાગના ટેબલો દ્વારા સરકારની વિવિધ યોજનાઓનું વિશેષ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર પ્રતિભાઓ અને કર્મનિષ્ઠ અધિકારી-કર્મચારીઓનું કલેક્ટરશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું તથા મહાનુભાવોના હસ્તે વળક્ષારોપણ કરાયું હતું.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, ટંકારા તાલુકા પંચાયતના પ્રમુખ ઉર્મિલાબેન માંડલિયા, જિલ્લા વિકાસ અધિકારી એન.એસ. ગઢવી, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, નાયબ વન સંરક્ષક સુનિલ બેરવાલ, મોરબી પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેતાવત સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ, સ્થાનિક પદાધિકારીશ્રી, અગ્રણીઓ તથા ટંકારા નગરજનો અને દેશપ્રેમી જિલ્લાવાસીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. (પારુલ આડેસરા-માહિતી ખાતુ-મોરબી)
(10:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
