News of Tuesday, 27th January 2026
ચોટીલા નજીક જાનૈયાઓની બસ ટ્રકની પાછળ ઘૂસી, ૨૪ને ઈજા
પાંચ જેટલી એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી ગઈ હતીઃ સુરતથી જામકંડોરણા જતાતા

વઢવાણ,તા.૨૭: સાયલા-ચોટીલા હાઈવે પર ગઈ સવારે અકસ્માત સર્જાયો હતો. સુરતથી જામકંડોરણા જઈ રહેલા જાનૈયાઓ ભરેલી લક્ઝરી બસ સાયલાના ગોસળ બોર્ડ નજીક ઉભેલી ટ્રકની પાછળ ધડાકાભેર અથડાતા ૨૪ જેટલા જાનૈયાઓ ઈજાગ્રસ્ત થયા હતા. લગ્ન પ્રસંગના હરખ વચ્ચે સર્જાયેલા આ અકસ્માતને પગલે ચીસાચીસ મચી ગઈ હતી. બસ જામકંડોરણાના વિમલનગર ખાતે જઈ રહી હતી. ત્યારે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ આગળ જઈ રહેલી અથવા ઉભેલી ટ્રકની પાછળના ભાગે ધડાકાભેર ઘૂસી ગઈ હતી. બસનો આગળનો ભાગ કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતની જાણ થતા જ આસપાસના વિસ્તારમાંથી પાંચ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. એમ્બ્યુલન્સ દ્વારા તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સાયલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ સાયલા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે હાઈવે પર જામ થયેલા ટ્રાફિકને હળવો કરી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવામાં મદદરૂપ બન્યા હતા.
(11:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
