News of Tuesday, 27th January 2026
સાયલા નજીક અકસ્માતની વણઝાર : જામકંડોરણા અને દ્વારકા જતા બે લકઝરી ઉંઘી મળી : ર૪ જાનૈયા સહિત ૩૯ લોકોને ઇજા
ક્રેઇન અને કાર વચ્ચેના અકસ્માતમાં યુવાનનું મોત

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ર૭ : સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોની સંખ્યા સતત વધતી જઈ રહી છે તેવા સંજોગોમાં અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે ઉપર રોજબરોજ નાના મોટા અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે છેલ્લી ૨૪ કલાકમા હાઇવે ઉપર સાયલા તાલુકામાં જ અલગ અલગ બે અકસ્માતોમાં ૩૯ જેટલા લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે જેમાં સુરેન્દ્રનગર માટે પ્રજાસત્તાક દિવસ ગોઝારો સાબિત થયો છે.
હડાળા ગામના પાટીયા નજીક વહેલી સવારે અકસ્માત સર્જાઈ જવા પામ્યો છે ડ્રાઇવરને જોકું આવી જતા ખાનગી બસ પલટી ખાઈ ગઈ છે ત્યારે બસમાં સવાર ૧૫ થી વધુ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે તમામને ૧૦૮ મારફતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે પરંતુ તે પૈકી ચાર લોકોને હાલત ગંભીર હોવાના કારણે તેમને રાજકોટ ખાતે રીફર કરવામાં આવ્યા છે જેમાં પ્રભાતભાઈ અમરભાઈ ચંદ્રિકાબેન અને યોગેશકુમાર નામના પેસેન્જરને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતને લઈ અને હાઇવે ઉપર ટ્રાફિકજામ પણ જવા પામ્યો હતો જો કે સાયલા પોલીસ તાત્કાલિક ત્યાં રવાના થઈ હતી અને આ અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી તપાસમાં સામે આવ્યું છે કે બસ અમદાવાદથી દ્વારકા જતી હતી અને તેમાં પેસેન્જરો ભર્યા હતા અને તે દરમિયાન ડ્રાઇવરને જોકું આવી જતા આ પ્રકારનો અકસ્માત સર્જાયા હોવાનું સામે આવ્યું હતું. ૧૫ જેટલા ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવા માટે આજુબાજુના તાલુકાઓમાંથી પણ ૧૦૮ એમ્બ્યુલન્સ મોકલવામાં આવી હતી જે પૈકી ચોટીલા અને મુળી તાલુકાની એબ્યુલન્સ પણ મંગાવી લેવામાં આવી હતી.
અન્ય એક ઘટનામાં સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના ગોસળ ગામના પાટીયા નજીક ખાનગી બસ પલટી ખાઈ ગઈ છે અને બસમાં સવાર ૨૪ જેટલા લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. તેમને પણ સુરેન્દ્રનગર અને સાયલા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
મળતી વિગત અનુસાર ગોસળ ગામના પાટીયા નજીક સુરત થી જામકંડોરણાના વિમનનગર સાથે જતી બસ પલટી ખાઈ ગઈ છે જાનમાં બસ જતી હતી ત્યારે જાનૈયાઓને અકસ્માત નડ્યો છે જેમાં ૨૪ લોકોને ઈજાઓ પહોંચી છે તમામને સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવ્યા બાદ અન્ય બસમાં તેમને રવાના કરવામાં આવ્યા છે જાનૈયાઓની બસમાં અકસ્માત સર્જાયા બાદ પોલીસ પણ ત્યાં દોડી ગઈ હતી અને આ મુદ્દે તપાસ શરૂ કરવામાં આવી છે કોઈપણ વસ્તુ આઘી પાછી ન થાય તેની તકેદારી રાખવા માટે સ્પેશિયલ સ્ટાફ બસ નજીક ફાળવવામાં આવ્યો હતો તમામને સારવાર આપવામાં આવ્યા બાદ જામકંડારણા તરફ બસ રવાના કરવામાં આવી હતી..
સાયલા નજીક વખતપર ના બોર્ડ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જેમાં ક્રેન સાથે ધડાકાભૈર કાર અથડાય છે જેમાં ઘટના સ્થળ પર જ યુવકનું મોત નીપજવા પામ્યું છે સોકાભાઈ ચાણપાનું ઘટના સ્થળે મોત નીપજવા પામ્યું છે અને આ અકસ્માતમાં પણ ત્રણ લોકોને ઇજાઓ પહોંચી છે એટલે સાયલા અકસ્માતનું એપીસેન્ટર સાબિત થયું છે ત્યારે સાયલા પણ દોડી જઈ અને મળતકની મળતદેહને પીએમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે અને આ અંગે પરિવારજનોને જાણ કરી અને ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
ખાનગી બસમાં મુસાફરી કરવી
જીવના જોખમ સમાન બની..
અમદાવાદ રાજકોટ રોડ ઉપર ખાનગી બસોનો રાફડો ફાટયો છે અંદાજિત રોજની ૧૦૦૦ થી વધુ બસો અમદાવાદ રાજકોટ રોડ ઉપર દોડી રહી છે પરંતુ હવે આ ખાનગી બસો છે તે અકસ્માત સર્જવાનું એપી સેન્ટર બની ગઈ હોય તે પ્રકારનો ઘાટ સર્જાય જેવા પામ્યો છે ૨૪ કલાકમાં જ બે જેટલી બસો પલટી ખાઈ ગઈ છે જેમાં ૩૯ જેટલા પેસેન્જરોને ઇજાઓ પહોંચી છે જોકે આ મુદ્દે પોલીસ તપાસ પણ શરૂ કરવામાં આવી છે અને ડ્રાઇવરોની બેદરકારીના કારણે આ અકસ્માતો સર્જાયા હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે ખાનગી બસોમાં મુસાફરી હવે જીવના જોખમરૂપી સાબિત થઈ રહી છે.
સાયલા નજીક સર્જાયેલા અકસ્માતમાં હાઇવે ઉપર પેસેન્જરની કિકયારીથી હાઇવે ગુંજી ઉઠ્યો હતો જો કે આ મુદ્દે આજુબાજુની ૧૦૮ બોલાવી લેવામાં આવી હતી અને તમામને સારવાર મળી રહે તે પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
(11:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
