News of Tuesday, 27th January 2026
‘પદ્મશ્રી' મળતા મારી જીંદગી સફળ થઇ ગઇઃ હાજી રમકડુ
લોકડાયરાના તબલાના તાલના જાદુગરે અનેક કલાકારો સાથે કલા રજુ કરી'તી : ૮૦ વર્ષની ઉંમરે પણ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરે છે જુનાગઢમાં સ્વ.નારસિંહભાઇ પઢીયારે હાજી રમકડાને મકાન લેવા કાર્યક્રમ કર્યો'તોઃ પ્રાણલાલ વ્યાસે સોનાની વીંટી કાઢીને આપી'તી

જુનાગઢઃ સારાય ગુજરાતમાં પોતાના તબલાવાદન થકી પ્રખ્યાત એવા હાજી રમકડું કે જેમને સરકારશ્રીએ પદ્મશ્રી એવોર્ડ આપવાની જાહેરાત કરી છે ત્યારે સમગ્ર સોરઠ પંથકમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે ,હાજી રમકડાએ તેના પિતાશ્રી કાસમભાઈ સાથે નાનપણથી જ તબલા વગાડવાની પ્રેક્ટિસ કરેલી અને સ્વર્ગસ્થ શ્રી પ્રાણલાલ વ્યાસ સાથે તેમણે વર્ષો સુધી લોક ડાયરામાં તબલા વગાડી તેમનું નામ પ્રસિદ્ધ કર્યું સોરઠ પંથકના જુના જનસંઘ -ભાજપના સ્વર્ગસ્થ નારસિંહભાઈ પઢિયારે હાજી રમકડા માટે એક ભવ્યાતિભવ્ય કાર્યક્રમ એ જી સ્કુલના મેદાનમાં યોજીને હાજી રમકડાને રૂ. ૫,૫૧,૦૦૦ નો ચેક કથાકાર પરમ પૂજ્ય શ્રી મોરારીબાપુ તથા આદરણીય સંતોની હાજરીમાં અર્પણ કરવાનો કાર્યક્રમ તેમના ટ્રસ્ટના વડપણ હેઠળ કર્યો હતો તેમજ હાજી રમકડાને મકાન લેવા માટે જમીનના દસ્તાવેજ પેટે રૂા.૨,૫૧,૦૦૦ ની રકમ અર્પણ કરી હતી જેની યાદ આજે જ્યારે તેમને પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે ત્યારે તાજી કરવી જરૂરી છે આ કાર્યક્રમમાં સ્વર્ગસ્થ પ્રાણભાઈ વ્યાસે પોતાની સોનાની વીંટી કાઢીને શ્રી હાજી રમકડાને પહેરાવી હતી એ દ્રશ્ય પણ ૨૦૦૫ની સાલનું સૌને યાદ છે. (અહેવાલઃ વિનુ જોશી, તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)
(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ર૭ :.. જુનાગઢ સહિત દુર દુર સુધી જેઓની ખ્યાતિ ફેલાયેલી છે અને કલા ક્ષેત્રે ઢોલકવાદ દ્વારા સારી એવી નામના પ્રાપ્ત કરનાર જુનાગઢના સુપ્રસિધ્ધ કલાકાર હાજીભાઇ કાસમભાઇ મીર (હાજી રમકડુ) ને પદ્મશ્રી એવોર્ડ ર૦ર૬ થી સન્માનીત કરવામાં આવી રહેલ છે. ત્યારે તેમના લાખો ચાહકોમાં આનંદની લાગણી વ્યાપી ગઇ છે. અને તેમના પર અભિનંદન વર્ષા થઇ રહી છે.
જુનાગઢના ઢાલ રોડ ઉપર દૂધીવાડા ચોકમાં રહેતા અને અકિલાના અપાર ચાહક એવા હાજી ભાઇ દેશ-વિદેશમાં પણ ઢલકવાદ તરીકે પ્રખ્યાત બન્યા છે.
માત્ર ૯ વર્ષનીનાની ઉમરે હાથમાં ઢોલક પકનાર હાજીભાઇ આજે ૮૦ વર્ષની વયે પણ તેટલા જ ઉત્સાહથી તબલાના તાલે શ્રોતાઓને મંત્ર મુગ્ધ કરે છે. તેમના દાદ અને પિતા પણ નવાબના સમયમાં રિયાસત માટે તબલા વગાડતા આમ સંગીત તેમને વારસામાં મળેલ કોઇપણ ભજનના કાર્યક્રમ સંતવાણીના કાર્યક્રમ કે લોકડાયરા હાજી રમકડુના ઢોલ વાદક વિના અધુરો ગણાય પ્રાણલાલ વ્યાસથી લઇ દિવાળીબેન ભીલ સહિત નામી કલાકારો સાથે જેઓ ઢોલક વગાડી અને જાહેર કાર્યક્રમો જીવંત બનાવી દિધા હતાં.
હાજીભાઇની કળા માત્ર મનોરંજન પુરતી મર્યાદીત નથી પણ તે નવાબી કાળના વારસાને જીવંત રાખવાનું એક માધ્યમ છે. અકિલા સાથેની વાતચીત દરમ્યાન હાજીભાઇએ વધુમાં જણાવેલ કે લોકસંગીત અને શાષાીય સંગીત બન્નેમાં મને ખુબ આનંદ સાથે ઢોલક વગાડવીની મજા આવે છે.
જીવનના આઠ દાયકા પસાર થયા હોવા છતાં યુવાનોને શરમાવે એવી સ્ફુર્તિ સાથે તેમની આંગળીઓ જયારે તબલા પર પડે છે. ત્યારે આજે પણ નવાબી સમયનો દબદબો અને ખાનદાની રણંકાર સંભળાય છે. સામાન્ય પરિવારમાંથી આવતા અને નાનપણથી જ સંગીતને જીવન સમર્પિત કરનાર મીર પરિવારના આ લાલનું સન્માન એ વાસ્તવમાં ગુજરાતની લોક કલાનું સન્માન છે.
હાજી રમકડુએ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવતા રાજીપો વ્યકત કર્યો હતો. અને ભારત સરકાર અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો આભાર વ્યકત કર્યો હતો. અને મારી જીંદગી સફળ થઇ ગઇ તેમ અંતમાં જણાવ્યું હતું. હાજીભાઇ રમકડુને મો. નં. ૯૮રપ૬ ર૪૬૮૧ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.
(3:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
