News of Tuesday, 27th January 2026
જોડિયા હુન્નરશાળાની સ્કાઉટ ગાઈડ વિદ્યાર્થિનીઓ અને કેપ્ટનનું ગણતંત્ર દિવસે ખીરી ખાતે સન્માન
યુપી સરકાર દ્વારા અને દિલ્હી ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા એવોર્ડ પ્રમાણપત્ર

જોડિયા: સૌરાષ્ટ્રની સુપ્રસિધ્ધ ગાંધીવાદી સંસ્થા શ્રી શેઠ કાકુભાઇ જીવણદાસ સ્ત્રી હુન્નર ઉદ્યોગ શાળા સંચાલિત શ્રીમતી યુ.પી.વ્યાસ કન્યા વિદ્યાલય જોડિયાની આઠ વિદ્યાર્થીની અને ગાઈડ કેપ્ટન નેશનલ જંબોરી કેમ્પ લખનઉ (ઉત્તર પ્રદેશ)માં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી પીઝન શોમાં ઉત્તમ દેખાવ કરી એ ગ્રેડ સાથે સફળતા મેળવી હતી. આ સિદ્ધી બદલ જોડીયા તાલુકા મામલતદાર દ્વારા 26 જાન્યુઆરી - ગણતંત્ર દિવસના રોજ ખીરી મુકામે તાલુકા કક્ષાએ ઉજવણીમાં પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવેલ છે.
શ્રીમતી યુ.પી.વ્યાસ કન્યા વિદ્યાલય જોડિયામાં અભ્યાસ કરતી આઠ વિદ્યાર્થીનીઓ ઝાટિયા પલક, પટેલ હીર, જોટગીયા યશવી, સમા નાઝમીરા, છૈયા શ્રદ્ધા, રાણવા રિદ્ધિ, મકવાણા પ્રિયા, લોહીયા સુહાની તેમજ શાળાના વ્યાયામ શિક્ષક શ્રી મમતાબેન જોશીએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી ગુજરાતના લીડર તરીકે કાર્ય કરેલ.
ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લાના ભાગે આવેલ પીઝન શો પ્રવૃત્તિમાં વિદ્યાર્થીની બહેનો અને ગાઈડ કેપ્ટને ઉત્તમ દેખાવ કરી એ ગ્રેડ સાથે સફળતા મેળવી હતી અને જામનગર તેમજ ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું છે. આ બદલ યુપી સરકાર દ્વારા અને દિલ્હી ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા એવોર્ડ પ્રમાણપત્ર આપવામાં આવેલ છે.
તેમની આ સિદ્ધી બદલ જોડીયા તાલુકા મામલતદાર ઓફિસ દ્વારા 26 જાન્યુઆરી ગણતંત્રના દિવસના રોજ ખીરી મુકામે તાલુકા કક્ષાએ ઉજવણી થતી હોય ત્યારે પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવેલ છે. જોડિયા ગામના હોદ્દેદારઓ અને અધિકારીશ્રીઓ દ્વારા પણ શુભેચ્છાઓ આપવામાં આવેલ.
આ બહેનોને શાળાના મેનેજિંગ ટ્રસ્ટી ભરતભાઈ સુખપરિયા, સ્થાનિક ટ્રસ્ટી અશોકભાઈ વર્મા, ટ્રસ્ટી પાર્થભાઈ સુખપરિયા, ટ્રસ્ટી પુનિતભાઈ શેઠ અને શાળાના આચાર્યા બહેન ક્રિશ્નાબા ચુડાસમાએ શુભેચ્છાઓ પાઠવી ઉતરોતર જીવનમાં પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવેલ.
અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે, સ્કાઉટ ગાઈડ રાજ્ય સંઘના હોદ્દેદારશ્રીઓ અને જિલ્લા સંઘ ચીફ કમિશનર યોગેન્દ્રસિંહ જાડેજા અને અન્ય હોદ્દેદારશ્રી દ્વારા વિદ્યાર્થીની બહેનોના આ ઉત્તમ કાર્ય બદલ શુભેચ્છાઓ આપવામાં આવેલ.
ગાંધી વિચારોને વરેલી આ સંસ્થા સત્ય, પ્રેમ, કરુણા, સેવા, સ્વાવલંબન, સ્વચ્છતા સાથે સતત કાર્ય કરતી રહે છે. શાળામાં અભ્યાસની સાથે અનેક સહ-અભ્યાસક પ્રવૃત્તિઓ પણ વિદ્યાર્થીઓ કરે છે. આ અનુસંધાને શાળા સ્કાઉટ ગાઈડ, એન. એસ. એસ., એસ. પી. સી., ઇકો કલબ વગેરે જેવી અનેક ઈતર પ્રવૃત્તિઓમાં અગ્રેસર હોય છે. સાથે-સાથે મહિલા ઉત્કર્ષ, સમાજ સેવા, સાહિત્ય પરિષદ, વિશેષ દિવસની ઉજવણી અને તહેવાર નિમિત્તે વિવિધ પ્રકારના કાર્યક્રમો કરી વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે સંસ્કૃતિનું જ્ઞાન આપવામાં આવે છે.
(9:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
