<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th January 2026

ગોંડલમાં સાળાની લાશ બનેવીએ બારોબાર દાટી દીધી!

લીલા ત્રોફામાં ગુપ્‍તાંગ ફસાઇ જતાં સારવાર બાદ ગોંડલ બહેન-બનેવી સાથે રહેતાં યુવાને આપઘાત કર્યો કે અન્‍ય કંઇ બન્‍યું? : ૧૮ વર્ષના યુવાનને ઇજાની સારવાર બાદ અમદાવાદથી રજા અપાયા પછી બહેન શિલ્‍પા અને બનેવી ભાવેશ સાથે રહેતો હતોઃ ૨૨મીએ માતા ગૂમ થતાં શિલ્‍પા તેને શોધવા નીકળી પરત ઘરે આવી ત્‍યાં ભાઇ ગૂમ હતોઃ પતિને પુછતાં તેણે કહ્યું-તારો ભાઇ ઘરેથી નીકળી ગયો છેઃ સતત બે દિવસની પુછતાછ બાદ પતિ ભાવશે કબુલ્‍યું-તારા ભાઇએ આપઘાત કર્યો હતો, તને આઘાત ન લાગે એટલે મેં બારોબાર લાશ દફનાવી દીધી છેઃ ગોંડલ પોલીસે મૃતદેહ બહાર કઢાવી ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો

રાજકોટ તા.૫: ગોંડલમાં ચોંકાવનારી ઘટના બની છે. જેમાં એક બનેવીએ પોતાની સાથે રહેતાં ૧૮ વર્ષના સાળાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પોતાની પત્‍નિને આ વાતની જાણ થશે તો ખુબ આઘાત લાગશે એવું લાગતાં લાશને પોતે જ્‍યાં  રહે છે તે છાપરાની પાછળના ભાગે અવાવરૂ મેદાનમાં ખાડો ખોદી દાટી દેતાં પોલીસને ઘટનાની જાણ થતાં મૃતદેહ બહાર કઢાવી ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ માટે રાજકોટ ખસેડયો છે. માતા ગૂમ થઇ હોઇ તેને શોધવા નીકળેલી પરિણીતાએ ઘરે આવી પોતાના ભાઇને ન જોતાં પતિની પૃછા કરતાં તેણે તારો ભાઇ બહાર જતો રહ્યો છે તેમ કહ્યું હતું. બે દિવસ  સુધી સતત પૃછા કરી હવે પોતે પોલીસ પાસે જાય છે તેમ તેણીએ પતિને કહેતાં પતિએ તારા ભાઇએ આપઘાત કરી લીધો છે, તને આઘાત ન લાગે એટલે મેં લાશ દાટી દીધી છે તેવી કબુલાત આપી હતી!

ચકચાર જગાવની આ ઘટનાની જાણવા મળેલી વિગતો મુજબ ગઇકાલે ગોંડલમાં કોટડા સાંગાણી રોડ પર છાપરૂ વાળીને પરિવાર સાથે રહેતી શિલ્‍પાબેન નામની પરિણીતા ગઇકાલે ગોંડલ બી-ડિવીઝન પોલીસ સ્‍ટેશન ખાતે પહોંચીને પોલીસને કહ્યું હતું કે-મારા ૧૮ વર્ષના ભાઇ અજયનું મોત થયા બાદ મારા પતિ ભાવેશે મને આ વાતથી અજાણ રાખી મારા ભાઇની લાશ અમે રહીએ છીએ એ છાપરાની પાછળના ભાગે દાટી દીધી છે, તેવું મારા પતિએ જ મને કહ્યું છે! મહિલાની આ વાતથી પોલીસ ચોંકી ગઇ હતી. પોલીસે તુરત જ ઘટના સ્‍થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. 

પોલીસે શિલ્‍પાબેનના પતિ ભાવેશભાઇની પુછતાછ કરતાં તેણે કબુલ્‍યું હતું કે-મારા સાળાનું ગુપ્‍તાંગ ગત ૧૨મી તારીખે વહેલી સવારે લીલા નાળીયેરમાં ફસાઇ જવાને કારણે તેને ગંભીર ઇજા થઇ હતી. આ પછી તેને અમે ગોંડલ અને બાદ રાજકોટ હોસ્‍પિટલમાં ખસેડયો હતો. ત્‍યાંથી વધુ સારવાર માટે અમદાવાદ લઇ ગયા હતાં. અમદાવાદ સારવાર બાદ ગત ૨૨મીએ મારા સાળાને રજા અપાઇ હતી. એ પછી તે ગોંડલમાં અમારી સાથે જ રહેતો હતો. જો કે આ ઘટના પછી તે સતત ગુમસુમ રહેતો હતો. મારી સાથે મારા પત્‍નિ, સાસુ શારદાબેન, બે સંતાન સહિતના પણ રહે છે.

દરમિયાન ૨૫મીએ મારા સાસુ ગુમ થઇ જતાં મારી પત્‍નિ તેને શોધવા અને પોલીસને જાણ કરવા માટે ઘરેથી નીકળી હતી. આ દરમિયાન જ ગુમસુમ રહેતાં મારા સાળાએ છાપરામાં આડી સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઇ લીધો હતો. આ વાતની જાણ જો મારા પત્‍નિને થશે તો તે આઘાતમાં ગરક થઇ જશે અને દુઃખી થશે તેમ મને લાગતાં મેં અમારા છાપરાની પાછળના ભાગે જ અવાવરૂ જેવુ મેદાન હોઇ ત્‍યાં ખાડો ખોદીને સાળાની લાશ દાટી દીધી હતી. પછી જ્‍યારે પત્‍નિ ઘરે આવી ત્‍યારે તેણે તેના ભાઇ વિશે પુછતાં મેં તેણીને તારો ભાઇ અહિથી જતો રહ્યો છે તેવી વાત કરી દીધી હતી.

જો કે તેની તબીયત સારી ન હોઇ છતાં તે ઘરેથી નીકળી ગયો તે વાત મારી પત્‍નિને ગળે ઉતરતી ન હોઇ તે સતત મને તેના ભાઇ વિશે પુછતી હતી અને ગઇકાલે મંગળવારે તેણીએ હવે પોતે પોલીસ પાસે જાય છે તેમ કહેતાં અંતે મેં તેને સાચી વાત કરી હતી કે તારા ભાઇએ આપઘાત કરી લીધો હતો અને તને વધુ દુઃખ ન થાય એ માટે મેં લાશને દાટી દીધી છે. ભાવેશની આ કબુલાત બાદ ગોંડલ પોલીસે દાટી દેવાયેલી ૧૮ વર્ષના અજય પરમારની લાશ બહાર કઢાવી છે અને ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ માટે રાજકોટ ખસેડી છે.

પોલીસને શંકા છે કે ખરેખર અજયએ આપઘાત કર્યા બાદ તેના બનેવી ભાવેશે પત્‍નિ દુઃખી ન થાય એ માટે લાશ દાટી દીધી કે પછી અજય સાથે અન્‍ય કંઇ બન્‍યું? હાલ પોલીસે ભાવેશની વિશેષ પુછતાછ યથાવત રાખી છે. આ બનાવે ગોંડલમાં ચકચાર જગાવી દીધી છે. મૃત્‍યુ પામનાર અજય બે ભાઇ અને ત્રણ બહેનમાં નાનો હતો અને છુટક મજૂરી કરતો હતો. (૧૪.૫)

(11:13 AM IST)