News of Wednesday, 28th January 2026
ભાવનગરમાં પીએસઆઇ સહિત ચાર પોલીસકર્મી વિરૂદ્ધ તેના જ પોલીસ મથકમાં ગુનો નોંધાયો
મોટા ખુટવડાના પી.એસ.આઇ. યાદવ સહિત ચાર પોલીસકર્મીએ યુવકને માર્યાના બનાવમાં

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૮: રસ્તામાં પોલીસની ગાડીને સાઈડ આપવા મુદ્દે ખુંટવડા પોલીસ પર યુવકે હુમલો કર્યો હોવાના બનાવની ફરિયાદ બાદ હવે ખુંટવડાના યુવકે ખુંટવડા પીએસઆઈ સહિત ચાર પોલીસ કર્મચારીઓ સામે ખુંટવડા પોલીસ મથકમાં જ માર મારી ધમકી આપ્યા અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી છે. આમ, પોતાના જ પોલીસ મથકમાં પોલીસકર્મીઓ આરોપી બની ગયા છે.
ભાવનગર પોલીસની માઠી બેઠી હોય તેમ એક પછી એક વિવાદોથી ઘેરાયેલી જોવા મળી રહી છે. ચકચારી બગદાણા વિવાદ અને ઘોઘા પોલીસ મથકના પીએસઆઈના ત્રાસથી પોલીસ કર્મચારીના આપઘાતના બનાવમાં અનેક પ્રશ્નોથી ઘેરાયેલી ભાવનગર પોલીસ વધુ એક મામલે ઘેરાઈ છે.
ગત તા.૨૧-૧ના રાત્રિના જાહેર રસ્તા પર અડચણરૂપ ભેંસો ચલાવવા મુદ્દે ખુંટવડાના યુવકને ભેંસો સાઈડમાં લેવાનું કહેતા યુવકે ખુંટવડા પીએસઆઈ સહિતના કર્મચારીઓ પર હુમલો કર્યાં અંગેની અને ફરજ રૂકાવટની પોલીસ ફરિયાદ ખુંટવડા પીએસઆઈ યાદવે ભાવેશ રાઘવભાઈ ચોસલા વિરૂદ્ધ નોંધાવી હતી. જે બાદ ગત રોજ આ મુદ્દે યુવકે પોલીસ સામે ફરિયાદ નોંધાવી છે.
મહુવાના મોટા ખુંટવડા ખાતે રહેતા ભાવેશભાઈ રાઘવભાઈ ચોસલાએ ખુંટવડા પોલીસ મથકમાં ખુંટવડા પીએસઆઈ આર.જે.યાદવ, જસકુભાઈ કામળીયા, જીઆરડી જવાન નાગજીભાઈ અને ૧૧૨માં આવેલા જાડેજા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ગત તા.૨૧ના રોજ સાંજે તેઓ વાડીએથી ભેંસો લઈને ઘરે જઈ રહ્યાં હતા ત્યારે બોરડી તથા ખુંટવડાની વચ્ચે રોજકી નદીના નાળા પર ભેંસો લઈને પહોંચ્યા ત્યારે પાછળથી ખુંટવડા પીએસઆઈ પાછળથી સરકારી જીપ લઈને આવતા હતા અને તેમણે નીચે ઉતરીને ભેંસો સાઈડમાં લેવાનું કહી ખીજાવા લાગ્યા, આ વખતે રસ્તો સાંકડો હોય ભેંસો સાઈડમાં જઈ શકે તેમ નહી હોવાથી પહોળો રસ્તો આવે ભેંસો હાકી લેવા તેમ કહેતા ઉગ્ર થઈ પીએસઆઈ યાદવ, જસકુભાઈ અને જીઆરડી જવાન નાગજીભાઈએ તેમને ઈજા પહોંચાડી હતી. બાદમાં ૧૧૨ ગાડીમાં આવેલા જાડેજાએ તેમને માર મારી ધમકી આપી હતી. આ અંગે ખુંટવડા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આમ, પોતાના જ પોલીસ મથકમાં પીએસઆઈ સહિતના પોલીસ કર્મચારીઓ આરોપી બની ગયા છે.(૨.૭)
(11:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
