હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઈ-ગ્રામ પ્રોજેક્ટ હેઠળના ગુજરાતના ૧૫૦૦ કર્મચારીઓને એક સાથે છુટા કરવામાં આવ્યા
રાજકોટ જિલ્લાના કર્મચારીની પંચાયત મંત્રી તથા રોજગાર મંત્રીને ન્યાય આપવા રૂબરૂ રજૂઆત

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા. ૨૮: સમગ્ર ગુજરાતમાં ઈ-ગ્રામ પ્રોજેક્ટ હેઠળના ૧૫૦૦ કર્મચારીઓને એક સાથે ૧ લી ફેબ્રુઆરીથી છુટા કરવાનો હુકમ થતા રાજકોટ જિલ્લાના કર્મચારીઓએ પંચાયત મંત્રી ઋષિકેશભાઇ પટેલ તથા રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને ગાંધીનગર ખાતે રૂબરૂ રજૂઆત કરી છુટા નહીં કરવા અથવા અન્ય જગ્યાએ નોકરી આપવા માંગણી કરી હતી. ગુજરાત સરકાર દ્વારા ૨૦૦૭થી ચાલતો ઈ-ગ્રામ વિશ્વગ્રામ પ્રોજેક્ટ ગ્રામ્ય વિસ્તારોમાં ડિજિટલ સેવાઓ પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ હેઠળ ગામડાઓમાં ગ્રામ કોમ્પ્યુટર ઉદ્યોગસાહસિકો (VCE)ppp મોડેલ હેઠળ તેમજ ડિસ્ટ્રિક્ટ લેવલ એક્સિકયુટિવ (DLE) અને તાલુકા લેવલ એક્સિકયુટિવ (TLE) પોસ્ટ પર કર્મચારીઓ કમ્પનીને કોન્ટ્રાકટ આપી નિયુક્ત કરવામાં આવ્યા હતા.આ સિવાય ૧૫ નાણાંપંચના ટેક્રિકલ સ્ટાફને પણ કંપની દ્વારા નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ કર્મચારીઓ મારફતે ગ્રામજનોને ડિજિટલ ગુજરાત અને સરકારશ્રીની તમામ યોજનાઓની સેવાઓ ગામેજ મળી રહી હતી.તેમજ તલાટી, ટીડીઓ અને વીસીઈ વચ્ચેનું સંકલન તેઓ દ્વારા થતું હતું અને કોઈપણ ઓનલાઈન વર્ક અને યોજનાઓ સાથે તેમનું સીધું જોડાણ હતું. પરંતુ તાજેતરમાં ગુજરાત સરકારે( વિકાસ કમિશ્નર દ્વારા) આ પ્રોજેક્ટ હેઠળ કામ કરતા કર્મચારીઓને ૧/૨/૨૦૨૬ થી એકાએક છુટા કરવાનો નિર્ણય લીધો છે. વિકાસ કમિ‘ર તરફથી લેટર જારી કરીને કર્મચારીઓને સૂચિત કરવામાં આવ્યા છે.આ નિર્ણયથી લગભગ ૧૫૦૦ થી વધુ કર્મચારીઓ (મુખ્યત્વે TLE અને અન્ય ટેકનિકલ સ્ટાફ) બેરોજગાર બની શકે છે. છેલ્લા ૧૮-૧૯ વર્ષથી નિષ્ઠાપૂર્વક કામ કરનારા આ કર્મચારીઓ પોતાના જીવનના અમૂલ્ય વર્ષો આ પ્રોજેક્ટને આપ્યા બાદ આમાંના અનેકની નોકરીની વય મર્યાદા અન્ય સરકારી નોકરી કે અન્ય નોકરી માટે પૂરી થઈ ચૂકી છે.
આવા વ્યક્તિઓ માટે નવી નોકરી મેળવવી મુશ્કેલ બની રહી છે, જે લોકો પાસે આજીવિકાનું આ એક જ સાધન હતું . જેમના માથે ઘરની તમામ જવાબદારીઓ હતી સરકારના આ તઘલખી નિર્ણયના કારણે તેઓ ‘‘ના ઘરના ના ઘાટના'' જેવી સ્થિતિમાં પહોંચી ગયા છે. કર્મચારીઓ અને સંબંધિત વર્ગોમાં આ નિર્ણયને લઈને રોષ છે.
છેલ્લા ૧૮ વર્ષથી સેવા આપનારા અને ઉંમર વટાવી ગયેલા કર્મચારીઓનું શું? સરકારે આવા કર્મચારીઓને રક્ષણ આપવા, વૈકલ્પિક રોજગાર અથવા અન્ય વ્યવસ્થા કરવી જોઈએ તેવી માંગ ઉઠી રહી છે.આ નિર્ણયથી ગ્રામ્ય વિસ્તારોમાં સેવાઓ પર અસર પડી શકે છે, જ્યારે કર્મચારીઓના જીવનની આજીવિકાની દોરી કપાઈ ગઈ છે તેવું લાગી રહ્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની મહત્વકાંક્ષી યોજના ઇ ગ્રામ માટે પોતાના જીવનના અમૂલ્ય વરસો આપી તેને ફળીભૂત કરનાર પાયાના પથ્થરસમાં આ કર્મચારી વિશે સરકાર સંવેદનશીલ બની યોગ્ય નિર્ણય કરે તેવી આ કર્મચારી વર્ગની માગણી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
