News of Wednesday, 28th January 2026
મોરબી મનપાની દબાણ હટાવ ઝુંબેશ સામે વેપારીઓએ બાંયો ચડાવી : તખ્તસિંહજી રોડ જામ કરી વિરોધ પ્રદર્શન.
ચક્કાજામને કારણે મુખ્ય માર્ગો પર વાહનોની લાંબી કતારો લાગી: વાહનચાલકો કલાકો સુધી અટવાયા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી દબાણ હટાવ ઝુંબેશ સામે વેપારીઓનો રોષ ફાટી નીકળ્યો છે. તખ્તસિંહજી રોડ પર વેપારીઓએ એકઠા થઈ આક્રમક આંદોલન શરૂ કર્યું છે, જેના કારણે મોરબીના મુખ્ય બજારો અને માર્ગો પર સ્થિતિ તંગ બની છે. વેપારીઓનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવી રહી છે, જેને પગલે આજે વેપારીઓએ એકજૂથ થઈને ચક્કાજામ કરી તંત્ર સામે બાંયો ચડાવી છે.
આંદોલન દરમિયાન તખ્તસિંહજી રોડ અને શિવાની સિઝન પાસેના મુખ્ય ચોકમાં વેપારીઓ અને કોંગ્રેસના નેતાઓએ રસ્તો રોકી દેતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ સમયે પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે ભારે ખેંચતાણ અને ગરમાગરમીના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે ટ્રાફિક હળવો કરવા સમજાવટના પ્રયાસો કર્યા હતા, પરંતુ વેપારીઓ તેમની માંગ પર અડગ રહ્યા હતા. વેપારીઓની સ્પષ્ટ માંગ છે કે જપ્ત કરેલો સામાન તાત્કાલિક પરત કરવામાં આવે અને વેપારીઓને થતી કનડગત બંધ કરવામાં આવે.
આ ચક્કાજામને કારણે મુખ્ય માર્ગો પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે, જેમાં સામાન્ય વાહનચાલકો કલાકો સુધી અટવાયા હતા. સૌથી ગંભીર સ્થિતિ ત્યારે જોવા મળી જ્યારે ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સ જેવા ઇમરજન્સી વાહનો પણ ફસાયા હતા. રસ્તાઓ બ્લોક થઈ જવાથી નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને સમગ્ર વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે.
(7:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
