<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th January 2026

પાંચાળ પ્રદેશના વિકાસને વેગવંતો બનાવવા ગુજરાત વિધાનસભાના આગામી બજેટમાં ૨૦૦૦ કરોડ ફાળવોઃ વિનોદભાઈ વાલાણી

જસદણ વિંછીયા ચોટીલા સાયલા થાન પાળીયાદ સરધાર વાંકાનેર બાબરા પંથકમાં જોઈએ તૅટલૉ વિકાસ થયો નથી ખાસ બજેટ ફાળવવા પાંચાળ વિકાસ બોર્ડના પ્રમુખની માંગ

(નરેશ ચોહલીયા દ્વારા) જસદણ ,તા. ર૯ : વિકાસથી વંચિત પાંચાળ પ્રદેશ સૌરાષ્‍ટ્રના ૬ જિલ્લાની મધ્‍યમાં આવેલ છે જેમાં રાજકોટ, મોરબી, સુરેન્‍દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી વગેરે છેવાડાના અંતરિયાળ અને ડુંગરાળ વિસ્‍તારોમાં પથરાયેલ છે જેમાં ચોટીલા,  સાયલા, થાન, વાંકાનેર, જસદણ, વિછીયા, સરધાર, પાળીયાદ, બાબરા પંથકના વિસ્‍તારોમાં  વિકાસના દ્વારો ખોલવા જોઈએ તેટલા ખૂલ્‍યા નથી. આ વિસ્‍તારને માંદગીના ખાટલામાંથી બહાર લાવવાની તાતી જરૂર છે. પાંચાળ પ્રદેશ ઉંધી રકાબી જેવો છે જેના લીધે વરસાદનું પાણી દરિયામાં વહી જાય છે. સૌરાષ્‍ટ્રની મુખ્‍ય નદીઓનું વહેણ પાંચાળ પ્રદેશમાંથી નીકળે છે.

અહીંના પર્યટન અને ધાર્મિક સ્‍થળો ચોટીલા, તરણેતર, પાપનાસણા મહાદેવ,  જડેશ્વર મહાદેવ, રફાળેશ્વર મહાદેવ, ઘેલા સોમનાથ મહાદેવ, વિસામણબાપુની જગ્‍યા પાળીયાદ, સતરંગ ધામ, લોમેવધામ ધજાળા, બિલેશ્વર મહાદેવ, ગંગેશ્વર મહાદેવ, ખેતલાઆપા મંદિર કડુકા, ઠાંગેશ્વર મહાદેવ, ભીમકુઇ, હિંગોળગઢ, ઝરીયા મહાદેવ, સુરજદેવળ, ગેબીનાથ મંદિર , ઐતિહાસિક વારસો ભીમોરાની ગુફા, સોનગઢ, જાદરાબાપુ,  ધારેશ્વર મહાદેવ, ધૂંધળીનાથ ધાંધલપુર, જનડાપીર, મદાવેશ્વર મહાદેવ, ગુપ્તેશ્વર મહાદેવ, જોગેશ્વર મહાદેવ, સતી લોયણધામ આટકોટ, ૫૧ શક્‍તિપીઠ પૈકી હિંગળાજ મંદિર વગેરે પાંચાળ પ્રદેશના પુરાતન પર્યટન સ્‍થળો તેમજ દેવ મંદિરોને રાજ્‍ય સરકાર દ્વારા યોગ્‍ય દરજ્જો આપવાનો પ્રયત્‍ન કરે તો આ પ્રદેશ રાજ્‍યમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી શકે તેમ છે.આ ઉપરાંત પાંચાળના અંતરિયાળ અને ડુંગરાળ વિસ્‍તારોના ગામડાઓમાં ગ્રામ્‍ય જવેલરી ધાતુ ઉદ્યોગ, હીરા ઉદ્યોગ, જસદણનો હેન્‍ડીક્રાફ્‌ટ ઉદ્યોગ, આરતી યંત્ર, ટ્રોલી ઉદ્યોગ, થાનગઢના સિરામિક ઉદ્યોગ વગેરે ઉદ્યોગોને પ્રોત્‍સાહન આપી વીજળીમાં રાહત આપવી જોઈએ.

સાયલા અને વિછીયા વિસ્‍તારમાં નવી જીઆઇડીસી ઉભી કરી ઉદ્યોગો સ્‍થપાય તો હજારો મજદૂરોને રોજગારીનું નિર્માણ થાય તેમજ પીવાનું પાણી, સૌની યોજના અંતર્ગત ઠાંગા વિસ્‍તારમાં સિંચાઈનું પાણી , આરોગ્‍ય , રોડ રસ્‍તા શિક્ષણને પ્રાધાન્‍ય આપી વિકાસને વેગવંતો બનાવવા ગુજરાત વિધાનસભાના આગામી ૨૦૨૬ ના બજેટ માં નીતિ વિષયક નિર્ણય લઈ પાંચાળ વિકાસ બોર્ડની રચના કરી બોર્ડ મારફતે વિકાસના કાર્યો થાય અને પ્રથમ વર્ષમાં ૨૦૦૦ કરોડની નાણાકીય ફાળવણી કરવા આપશ્રીને પાંચાળ પ્રદેશના લોકો વતી સામાજિક અગ્રણી વિનોદભાઈ વાલાણીએ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ અને સરકારને આગ્રહભરી નમ્ર વિનંતી કરી છે.

(1:16 PM IST)