<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th January 2026

ઝિંઝુવાડાના નવાપરામાં અસ્‍થિર મગજની ૧૬ વર્ષીય યુવતી પર દુષ્‍કર્મઃ ગર્ભ રાખી દેવાતા ચકચાર

પાટડી,બહુચરાજી પછી સુરેન્‍દ્રનગર સિવિલ હોસ્‍પિટલમાં દાખલઃ અચાનક પેટમાં દુખાવો ઉપડતા માતાને જાણ થઈઃ રિપોર્ટ કરાવવામાં આવતા ધડાકો થયો

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ર૯ :.. પાટડી પંથકમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. એક ગરીબ વિધવા માતાની ૧૬ વર્ષની અસ્‍થિર મગજની પુત્રી પર અજાણ્‍યા શખસે દુષ્‍કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી હોવાનો કિસ્‍સો પ્રકાશમાં આવ્‍યો છે

સગીરાને નવમો મહિનો જતો હોવાનું તબીબી તપાસમાં બહાર આવતા માતાએ આખરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ઝીંઝુવાડા પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રથી તેને પાટડી સરકારી હોસ્‍પિટલ ખસેડાઈ છે. ગમે ત્‍યારે તે બાળકને જન્‍મ આપી શકે છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ભોગ બનનાર સગીરાની ઉંમર ૧૬ વર્ષ અને ૯ માસ છે. તેના પિતાનું ૫ વર્ષ પહેલા અવસાન થયું હોવાથી માતા મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. માતા જ્‍યારે કામ અર્થે ઘરની બહાર જતી, ત્‍યારે અસ્‍થિર મગજની સગીરા એક વિસ્‍તારમાં એકલી રખડતી હતી. આ સમયગાળા દરમિયાન કોઈ અજાણ્‍યા નરાધમે તેની લાચારીનો લાભ ઉઠાવી દુષ્‍કર્મ આચર્યું હતું.

આશરે ૩ મહિના પહેલા સગીરાનું પેટ ઉપસી આવતા માતાને શંકા ગઈ હતી. પુત્રીની પૂછપરછ કરતા તેણે અસ્‍થિર મગજને કારણે કોઈ સ્‍પષ્ટ જવાબ આપ્‍યો નહોતો. ત્‍યારબાદ તેને બહુચરાજીના ખાનગી દવાખાને તપાસ માટે લઈ જવાતા ડોક્‍ટરે તે ૬ મહિનાની ગર્ભવતી હોવાનું જણાવ્‍યું હતું. સામાજિક બદનામીના ડરથી માતાએ શરૂઆતમાં આ વાત છુપાવી રાખી હતી.

ગઈકાલે રાત્રે સગીરાને અચાનક પેટમાં અસહ્ય દુખાવો ઉપડતા તેને ઝીંઝુવાડાના પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે ખસેડવામાં આવી હતી. ત્‍યાં ફરજ પરના તબીબોએ તપાસ કરી જણાવ્‍યું કે, સગીરાને ૯મો મહિનો ચાલી રહ્યો છે અને ગમે ત્‍યારે ડિલિવરી થઈ શકે છે. ત્‍યારે સગીરાને પાટડી સરકારી હોસ્‍પિટલ ખસેડવામાં આવી છે.

પોલીસે આ મામલે ગુનો નોંધી નરાધમ શખ્‍સને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

અસ્‍થીર મગજની યુવતી સાથે કોણે દુષ્‍કર્મ ગુજાયું તે દિશામાં પણ હવે તપાસ શરૂ કરવામાં આવી છે ત્‍યારે સુરેન્‍દ્રનગરની સિવિલ હોસ્‍પિટલમાં તેને દાખલ કરવામાં આવી છે પીઆઈ પી.કે.ગોસ્‍વામીના રૂબરૂમાં આ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

સામાન્‍ય રીતે દુષ્‍કર્મની ઘટનામાં ગુપ્તતા જાળવવી ખૂબ જરૂરી હોય છે જેની ઓનલાઇન ફરિયાદ પણ  સેન્‍સેટિવ ગણી અને અન્‍ય કોઈ વ્‍યક્‍તિ તેને જોઈ ન શકે તેની પૂરી તકેદારી પોલીસ વિભાગને રાખવાની હોય છે પરંતુ હવે આ ઝીંઝુવાડામાં બનેલી ઘટનાની પોલીસ ફરિયાદ સોશિયલ મીડિયા ઉપર એફઆઇઆર ની કોપી સહિત વાયરલ થઈ ગઈ છે જેને લઈને  સવાલ ઊભા થયા છે.

(11:49 AM IST)