હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ટંકારાના મોટા ખિજડીયાના સપૂતનો દેશભરમાં ડંકો
ઓલ ઇન્ડિયા CRPF બ્લેક કમાન્ડો સ્પર્ધામાં પ્રથમ આવી સેન્ટ્રલ ટીમમાં સ્થાન મેળવ્યું

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા તા.૨૯: દેશભક્તિ અને શૌર્યની પરંપરાને જાળવી રાખતા ટંકારા તાલુકાના મોટા ખિજડીયા ગામના વતની અને CRPF ૧૩૨ બટાલિયનના જવાન ધર્મરાજસિંહ રણવિરસિંહ ઝાલાએ સમગ્ર ભારતવર્ષમાં ગુજરાત અને મોરબી જિલ્લાનું નામ રોશન કર્યું છે. તાજેતરમાં ગુરુગ્રામ (હરિયાણા) ખાતે યોજાયેલી ઓલ ઇન્ડિયા ઇન્ટર ઝોન QAT (Quick Action Team) કોમ્બેટ સ્પર્ધામાં ધર્મરાજસિંહ ઝાલાએ ઝળહળતી સફળતા મેળવી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સિદ્ધિની સાથે જ તેઓની પસંદગી CRPF બ્લેક કમાન્ડો (QAT) ની પ્રતિષ્ઠિત ‘સેન્ટ્રલ ટીમ' માં થઈ છે.
ધર્મરાજસિંહની આ સફળતા કોઈ રાતોરાત મળેલી સિદ્ધિ નથી, પરંતુ તેમની કઠોર મહેનત અને તાલીમનું પરિણામ છે. આ સ્પર્ધા કુલ ચાર મુખ્ય તબક્કાઓમાં યોજાઈ હતી.
પ્રથમ તબક્કોઃ બટાલિયન લેવલ દ્વિતીય તબક્કોઃ ઇન્ટર બટાલિયન લેવલ (શ્રીનગર ખાતે) તળતીય તબક્કોઃ ઇન્ટર સેક્ટર લેવલ (જમ્મુ-કાશ્મીર ઝોન - નગરોટા ખાતે), જેમાં તેઓ પ્રથમ આવ્યા હતા.ચોથો તબક્કો (ફાઈનલ): ઇન્ટર ઝોન/ઓલ ઇન્ડિયા લેવલ (ગુરુગ્રામ, હરિયાણા), જ્યાં સમગ્ર દેશના તમામ ઝોનની શ્રેષ્ઠ ટીમો વચ્ચે મુકાબલો હતો અને ત્યાં પણ ધર્મરાજસિંહની ટીમે પ્રથમ સ્થાન મેળવી મેદાન માર્યું છે.
આ સ્પર્ધા CRPF ના સૌથી કુશળ અને માનસિક રીતે મજબૂત કમાન્ડોઝની કસોટી કરવા માટે આયોજિત કરવામાં આવે છે. જેમાં મુખ્ય ત્રણ ઇવેન્ટ્સ હોય છે.
ફાયરિંગ ઇવેન્ટઃ અત્યંત સ્ટ્રેસ અને દબાણ હેઠળ ચોકસાઈપૂર્વક નિશાનબાજી અને ઝડપી શૂટિંગની ક્ષમતા. ફિઝિકલ ટેસ્ટ (શારીરિક ક્ષમતા):: ૧૦ કિલો વજન અને હથિયાર સાથે ૧૦ કિ.મી. દોડ. ૨.૪ કિ.મી. દોડ સાથે ૫૦ કિલોનું સ્ટ્રેચર (ઘાયલ જવાનનું પ્રતિક) અને ૧૦ કિલો વજન સાથેનું હથિયાર. ૧ કિ.મી.નો અત્યંત કઠિન ઓબ્સ્ટિકલ રન. જોઇન્ટ ઓપરેશનઃ લાઈવ ઓપરેશન જેવી પરિસ્થિતિમાં ટીમવર્ક, યુદ્ધકૌશલ્ય અને નેતળત્વની પરખ.
સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ ધર્મરાજસિંહ ઝાલાની આ અસાધારણ સિદ્ધિને કારણે મોટા ખિજડીયા ગામ સહિત સમગ્ર ટંકારા તાલુકામાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. એક સામાન્ય ગામમાંથી આવીને દેશની સૌથી ભદ્ર (Elite) ગણાતી CRPF QAT સેન્ટ્રલ ટીમમાં સ્થાન મેળવવું એ ગૌરવપૂર્ણ બાબત છે. સોશિયલ મીડિયા અને રૂબરૂ મળીને ગ્રામજનો તેમજ અગ્રણીઓ તેમને અભિનંદન પાઠવી રહ્યા છે.
આ સિદ્ધિ બદલ ધર્મરાજસિંહ ઝાલા આગામી સમયમાં દેશની સુરક્ષા માટે સેન્ટ્રલ ટીમ દ્વારા મહત્વના ઓપરેશનોમાં પોતાની સેવા આપશે. તેમનું આ પ્રદર્શન ગુજરાતના યુવાનો માટે પ્રેરણાસ્રેત બની રહેશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
