<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th January 2026

જામનગરમાં ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા પદયાત્રા યોજાઈ

વીજલાઈનોના વળતર મુદ્દે જિલ્લા કલેક્‍ટરને આવેદન અપાયું

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૯: ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ જિલ્લાના તાલુકાઓના ખેડુતોએ પદયાત્રા યોજીને જિલ્લા કલેક્‍ટરને આવેદન આપીને ખેતરોમાંથી પસાર થયેલી, થતી કે થનારી ખાનગી કંપનીઓની વીજ લાઈનોના વળતર મુદ્દે રજુઆત કરવામાં આવી હતી.

ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના ડાયાભાઈ ગજેરા, પાલભાઈ આંબલીયા, નવસારીના જયેશભાઈ પટેલના નેજા હેઠળ પેલેસ રોડથી કલેક્‍ટર કચેરી સુધીની ખેડુત પદયાત્રા યોજાઈ હતી. જે વેળાએ પોલીસ બંદોબસ્‍ત રહ્યો હતો. ખેડુત અગ્રણીઓ અને ખેડુતોએ કલેક્‍ટર કેતન ઠક્કરને રૂબરુ મળીને રજુઆત કરીને આવેદન આપ્‍યું હતું. જેમાં જણાવ્‍યું હતું  કે, જામનગર જિલ્લામાં અત્‍યારે જે જે વીજ લાઈનો નીકળી ગઈ છે, નીકળે છે, કે નિકળવાની છે. તે તમામ વીજ લાઈનો કાઢવા માટે કલેક્‍ટરએ ખેડુતોને ઈ.સ. ૧૮૮૫ના ધ ટેલીગ્રાફ એક્‍ટ મુજબ-૨૦૦૩ના વિદ્યુત કાયદા મુજબ નોટીસો આપી છે. જ્‍યારે આ જ કાયદા હેઠળ ખેડુતોને વળતર કેમ અપાતું નથી ? ઈ.સ.૧૮૮૫ અને ૨૦૦૩ના કાયદા મુજબ ઓછામાં ઓછું નુકશાન અને વધારેમાં વધારે વળતર વ્‍યાખ્‍યા મુજબ વળતર આપવાને બદલે ખાનગી કંપનીઓ માટે કરેલા તા.૧/૧/૨૦૧૭થી તા.૩૧/૧૨/૨૦૨૫ સુધીના તમામ પરિપત્રો મુજબ જંત્રીના ભાવે વળતરની ગણતરી શા માટે કરવામાં આવે છે ? તેવા સવાલો ઉઠાવીને ૧૫ જેટલા મુદ્દાની માહિતી માંગી હતી.(

(12:32 PM IST)