<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

ગાંધીનગરમાં ભૂકંપ ઉપર દેશ વિદેશના નિષ્ણાત વૈજ્ઞાનિકોની ચર્ચા: હાઈ રિસ્ક ભૂકંપ ઝોન કચ્છમાં ફિલ્ડ વિઝિટ સાથે ભૂકંપની ફોલ્ટ લાઈનનો અભ્યાસ

ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં ૧૦ દેશો અને ૨૨ રાજ્યોના ૧૨૫ થી વધુ વૈજ્ઞાનિકોએ ભૂકંપઅંગે ‘ઇન્ટરપ્લેટ અને હિમાલયન સિસ્મોલોજી’ પર કરી ચર્ચા, ભૂકંપ ઝોન કચ્છમાં ફીલ્ડ ટ્રિપનુ આયોજન

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૩૦ :  ગુજરાત રાજ્ય સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ કાર્યરત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR), ગાંધીનગર ખાતે તારીખ ૨૩ થી ૨૫ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન એક ભવ્ય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. “International Conference on Intraplate and Himalayan Seismology: Developments in Last 25 years” અને ૯મી એન્યુઅલ કન્વેન્શન ઓન એડવાન્સીસ ઇન અર્થક્વેક સાયન્સ-૨૦૨૬ વિષય પર આધારિત આ કાર્યક્રમ ISR અને ઇન્ડિયન સોસાયટી ઓફ અર્થક્વેક સાયન્સના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. આ કોન્ફરન્સમાં ભારતભરના ૨૨ રાજ્યો અને વિશ્વના ૧૦ દેશોમાંથી ૧૨૫ થી વધુ વૈજ્ઞાનિકો, શિક્ષણવિદો  સંશોધકોએ, અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ દરમિયાન કચ્છ જેવા 'ઇન્ટ્રાપ્લેટ રીજન' અને હિમાલય જેવી સક્રિય પ્લેટ બાઉન્ડ્રી પર આવતા ભૂકંપો અને તેના વૈજ્ઞાનિક પાસાઓ પર ગહન ચર્ચા કરવામાં આવી હતી. કચ્છ યુનિવર્સિટીના જીઓસાયન્સ વિભાગના ડૉ. ગૌરવ ચૌહાણે કચ્છના વિવિધ 'ફોલ્ટ' (Faults) વિશે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. કોન્ફરન્સમાં શ્રેષ્ઠ પોસ્ટર પ્રેઝન્ટેશન માટે ૩ સંશોધકોને એવોર્ડ અપાયા હતા, જેમાં કચ્છ યુનિવર્સિટીના પીએચ.ડી.ના એક વિદ્યાર્થીનો પણ સમાવેશ થાય છે.

કોન્ફરન્સ બાદ તારીખ ૨૬ થી ૨૮ જાન્યુઆરી દરમિયાન કચ્છ વિસ્તારમાં શૈક્ષણિક ફીલ્ડ ટ્રિપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના કો-ઓર્ડિનેટર તરીકે ડૉ. ગૌરવ ચૌહાણ અને ISR ના વૈજ્ઞાનિક રાકેશ ભગોરાએ જવાબદારી નિભાવી હતી. બીરબલ સાહની ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેલેઓસાયન્સના ડાયરેક્ટર પ્રો. એમ. જી. ઠક્કર નિષ્ણાત તરીકે સાથે રહ્યા હતા. ૨૬ જાન્યુઆરીએ ૨૦૦૧ના ભૂકંપના કેન્દ્રબિંદુ એવા 'સાઉથ વાગડ ફોલ્ટ' પર તમામ સહભાગીઓએ ભૂકંપમાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ અર્પી હતી. નિષ્ણાતોએ ધોળાવીરા (આઇલેન્ડ બેલ્ટ ફોલ્ટ), કુનરિયા (કચ્છ મેઇનલેન્ડ ફોલ્ટ), માંડવીના રેતીના ડુંગરો, સ્મૃતિવન, કચ્છ યુનિવર્સિટી મ્યુઝિયમ અને રત્નાલ પાસેના 'કટરોલ હિલ ફોલ્ટ'ની મુલાકાત લીધી હતી.

ફીલ્ડ ટ્રિપના અંતે સહભાગીઓએ જીઓસાયન્સ વિભાગના જિયોલોજિકલ મ્યુઝિયમની વૈજ્ઞાનિકોએ લીધી મુલાકાત: વિદ્યાર્થીઓ સાથે સાયન્ટિફિક ચર્ચા કરી. મુલાકાત દરમિયાન તમામ સહભાગીઓએ વિભાગમાં આવેલા જિયોલોજિકલ મ્યુઝિયમને નિહાળ્યું હતું અને તેના ભવ્ય સંગ્રહના ભારોભાર વખાણ કર્યા હતા. વૈજ્ઞાનિકોએ મંતવ્ય આપ્યું હતું કે આ મ્યુઝિયમ ભૂસ્તરશાસ્ત્રના અભ્યાસ માટે ખૂબ જ ઉપયોગી અને માહિતીસભર છે. વધુમાં, આ મુલાકાત દરમિયાન વૈજ્ઞાનિકોએ જીઓસાયન્સ વિભાગના PhD અને MSc ના વિદ્યાર્થીઓ સાથે ખાસ સંવાદ કર્યો હતો. જેમાં સંશોધનને લગતા વિચારોનું આદાન-પ્રદાન (Interaction) કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય સ્તરના નિષ્ણાતો પાસેથી માર્ગદર્શન મેળવવાની અમૂલ્ય તક પ્રાપ્ત થઈ હતી. તમામ પાર્ટિસિપન્ટ્સે વિભાગની શૈક્ષણિક કામગીરી અને સંશોધન પ્રવૃત્તિઓને બિરદાવી હતી. સહભાગીઓએ કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. મોહન પટેલ અને કુલસચિવ ડૉ. અનિલ ગોર સાથે મુલાકાત કરી હતી. ડૉ. પટેલે તમામ વૈજ્ઞાનિકોને ભવિષ્યમાં સંશોધન સહયોગ માટે આવકાર્યા હતા. ભારત સરકારના અર્થ સાયન્સ મંત્રાલયના વૈજ્ઞાનિકોએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું અને મંત્રાલય તરફથી તમામ સહયોગની ખાતરી આપી હતી.

આંતરરાષ્ટ્રીય સહભાગીઓએ જણાવ્યું હતું કે, "કચ્છ એક કુદરતી પ્રયોગશાળા (Natural Laboratory) છે, જ્યાં પુસ્તકોમાં જે ભણવામાં આવે છે તેના કરતા પણ વધુ સ્પષ્ટ રીતે ભૂસ્તરશાસ્ત્રીય ઘટનાઓ જોઈ શકાય છે."

(9:34 AM IST)