હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જુનાગઢમાં મહિલા સંચાલિત જુગારધામ 12:56 PM

ગોંડલ-આટકોટ રોડ પર વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. ત્રણ શિક્ષકો જીવતા ભુંજાતા અરેરાટી વ્યાપી થઇ છે. પુર ઝડપે જતી કારના ચાલકે કાબુ ગુમાવતા અને કાર પુલ નીચે ખાબકતા કારમાં ભીષણ આગ લાગી હતી. (તસ્વીર : ભાવેશ ભોજાણી-ગોંડલ)
(વિજય વસાણી-જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ-આટકોટ તા.૩૦: રાજકોટ નજીક આવેલા ગોંડલ-આટકોટ હાઈવે પર આજે શુક્રવારે વહેલી સવારે એક અત્યંત કમકમાટીભર્યો અને હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. પૂરઝડપે જઈ રહેલી એક કાર બેકાબૂ બનીને પુલ નીચે ખાબકતા તેમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ગોઝારી ઘટનામાં કારમાં સવાર શિક્ષક અને ર શિક્ષિકા સહિત ૩ લોકોના જીવતા સળગી જવાથી કરૂણ મોત નિપજ્યા છે.
પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, આ અકસ્માત મોટા માંડવા અને મોટા દડવા ગામ વચ્ચેના વિસ્તારમાં બન્યો હતો. વહેલી સવારના સુમારે હાઈવે પરથી પસાર થઈ રહેલી કારના ચાલકે અચાનક સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. જેના કારણે કાર રોડની સાઈડમાં આવેલા પુલ પરથી સીધી નીચે ખાબકી હતી. ઊંચાઈ પરથી કાર નીચે પટકાવવાને કારણે તેમાં સ્પાર્ક થતા અથવા ફયુઅલ ટેન્ક ફાટવાને કારણે જોરદાર આગ ભભૂકી ઉઠી હતી.
ગોંડલ- આટકોટ વચ્ચે કાર નીચે ખાબકયા બાદ આગ ભભૂકી ઉઠતા સર્જાયેલ અકસ્માતમાં છોટાઉદેપુરના બે શિક્ષિકા અને એક શિક્ષક સહિત ત્રણના મોત થયા હોવાનું જાણવા મળ્યુ છે.
સીસીટીવી ફુટેજમાં જોવા મળ્યુ છે કે, આ કાર આટકોટથી ગોંડલ તરફ જઇ રહી હતી, જો કે, કાર અગનગોળો બની જતા તેની નંબરપ્લેટ જોવા મળી નથી જેથી મૃતકોની ઓળખ મેળવવી અઘરી બની ગઇ હતી.
પોલીસની જુદી-જુદી ટીમો દ્વારા મૃતદેહોની ઓળખ મેળવવામાં માટે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યુ હતું કે, મૃતકો છોટાઉદેપુરના શિક્ષકો હતા. જેઓ ગોંડલ પોતાના સંતાનને લેવા માટે આવી રહયા હતા.
છોટાઉદેપુરના શિક્ષક બારૈયા પ્રયાગકુમાર ગણપતભાઇ, ચોૈધરી આશાબેન અને ચોૈધરી નિતાબેનના મોત થયા છે. આશાબેન ચોૈધરીનો પુત્ર ગોંડલ સ્વામીનારાયણ ગુરૂકુળમાં ધો.૧૦માં અભ્યાસ કરે છે. જેની તબિયત સારી ન હોવાથી તેને લેવા માટે ગોંડલ આવી રહ્યા હતા ત્યારે આ દુઘર્ટના સર્જાઇ હતી.
મૃતકોને પ્રથમ જસદણ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા જયાંથી રાજકોટ એફએસએલ કરવા માટે મૃતદેહોને ખસેડાયા છે.
આગની જ્વાળાઓ એટલી ઝડપથી અને વિકરાળ રીતે ફેલાઈ ગઈ હતી કે કારમાં સવાર ત્રણેય મુસાફરોને બહાર નીકળવાની તક પણ મળી ન હતી. કાર જોતજોતામાં આગનો ગોળો બની ગઈ હતી અને અંદર રહેલા ત્રણેયે વ્યક્તિઓ અગનજ્વાળામાં લપેટાઈ જતા જીવતા જ ભુંજાઈ ગયા હતા. આ બનાવની જાણ થતા જ હાઈવે પરના વાહનચાલકો અને આસપાસના ગામના લોકો તેમજ સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. શુક્રવારની સવારે સર્જાયેલી આ ઘટનાએ સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી દીધી છે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જુનાગઢમાં મહિલા સંચાલિત જુગારધામ 12:56 PM