તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 31st January 2026
અદાણી સિમેન્ટ દ્વારા કચ્છના સાંધીપુરમા ૫૦ એકરમાં “શાંતિ શરણમ્” બાયોડાયવર્સિટી પાર્કનું નિર્માણ
૧૧ દેશી નસલની ગાયોની ગૌશાળા, ૫૦૦૦ કેસર કેરીના ઝાડ સહિત અન્ય ફળો અને વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણનું સંરક્ષણ, વન્યજીવો તથા પક્ષીઓ માટે કુદરતી આવાસનું નિર્માણ અને પ્રદૂષણ-મુક્ત હરિયાળું વાતાવરણ ઊભું થશે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩૧ : અદાણી સિમેન્ટ (સાંધીપુરમ યુનિટ) દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાના ભાગરૂપે, ૨૯ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ અબડાસા તાલુકાના સાંધીપુરમ ખાતે “શાંતિ શરણમ્” નામના બાયોડાયવર્સિટી પાર્કનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પ. પૂ. ખીમશ્રી માતાજી, પ. પૂ. ધનબાઈ માતાજી (ભગવતી કૃપા, મોટા રતડીયા), પ. પૂ. જનકદાસ બાપુ (મહંતશ્રી રામ મંદિર, રામવાડા), શાસ્ત્રીજી કશ્યપભાઈ જોશી (મોટા ભાડીયા) ની ઉપસ્થિતિમાં અદાણી પોર્ટ્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી રક્ષિતભાઈ શાહ ના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેમા અદાણી સિમેન્ટના સંજય વશિષ્ઠ સહિત અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે અદાણી પોર્ટ્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિતભાઈ શાહે જણાવ્યું હતું કે, ૫૦ એકર વિસ્તારમાં ફેલાયેલો આ “શાંતિ શરણમ્” બાયોડાયવર્સિટી પાર્ક અદાણી ગ્રુપના 'Growth with Goodness' મંત્રને સાર્થક કરતું એક મહત્વપૂર્ણ પગલું છે. આ પાર્કનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક ઇકોસિસ્ટમનું સંરક્ષણ કરવું, વન્યજીવો તથા પક્ષીઓ માટે કુદરતી આવાસનું નિર્માણ કરવું અને પ્રદૂષણ-મુક્ત હરિયાળું વાતાવરણ ઊભું કરવાનો છે. તેમણે વધુમાં જણાવ્યું કે આગામી સમયમાં આ પાર્કમાં હજુ વધુ આકર્ષણો અને સુવિધાઓ વિકસાવવામાં આવશે. આ ઉપરાંત, તેમણે આસપાસના અન્ય ઉદ્યોગોને પણ આવા જૈવવિવિધતા પાર્ક બનાવવા માટે આહ્વાન કર્યું હતું, જેથી કચ્છના આ શુષ્ક પ્રદેશમાં કુદરતી ઇકોસિસ્ટમમાં વધારો થઈ શકે અને વિસ્તાર વધુ વૈવિધસભર બને.
આદરણીય શાસ્ત્રીજી કશ્યપભાઈ જોશી (મોટા ભાડીયા)ની પ્રેરણા અને માર્ગદર્શનથી આ દેશી ગૌશાળા તથા “શાંતિ શરણમ્” જૈવવિવિધતા (બાયોડાયવર્સિટી) પાર્કની શરૂઆત થઈ રહી છે.
આ બાયોડાયવર્સિટી પાર્કની મુખ્ય વિશેષતાઓ: (૧) કેસર કેરીનું વિશાળ વાવેતર: પાર્કમાં ૫,૦૦૦ થી વધુ કેસર કેરીના આંબા ઉછેરવામાં આવ્યા છે,
જે સ્થાનિક બાગાયત ક્ષેત્રને મજબૂત બનાવશે. (૨) દેશી ગૌશાળા: અહીં ૧૧ દેશી નસલની ગાયો સાથેની એક સુસજ્જ ગૌશાળા બનાવવામાં આવી છે, જે કુદરતી ખેતીને પ્રોત્સાહન આપશે. (૩) ૧૦૦% માઈક્રો-ઇરિગેશન: પાણીના કરકસરભર્યા ઉપયોગ માટે સમગ્ર પાર્કમાં ટપક સિંચાઈ પદ્ધતિનો અમલ કરવામાં આવ્યો છે. (૪) આધુનિક સુવિધાઓ: મુલાકાતીઓ માટે સુંદર ગાઝેબો (Gazebos) અને ટાઉનશીપના રહેવાસીઓ માટે ખાસ વોકિંગ ટ્રેકની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
(9:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
