<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st January 2026

રાજકોટ જેલનો પેરોલ ઉપર ફરાર રાજસ્‍થાની કેદી અઢી વર્ષે ઝડપાયો

ધારીના ગુન્‍હામાં ૧૦ વર્ષની સજા છેઃ હળવદમાં મજુરી કરતો

વઢવાણ, તા. ૩૧: પંચમહાલ-ગોધરા રેન્‍જની પેરોલ ફલો સ્‍ક્‍વોડે રાજ્‍યવ્‍યાપી ‘ઓપરેશન કારાવાસ' અંતર્ગત મોટી સફળતા મેળવી છે. પોલીસે છેલ્લા અઢી વર્ષથી રાજકોટ મધ્‍યસ્‍થ જેલમાંથી પેરોલ રજા પર છૂટયા બાદ ફરાર થયેલા બળાત્‍કારના ગુનેગારને ઝડપી પાડયો છે.

ઝડપાયેલ આરોપી ખેમાભાઈ નારૂભાઈ કટારા રાજસ્‍થાનના બાંસવાડા જિલ્લાનો વતની છે. તે ધારી પોલીસ મથકમાં નોંધાયેલા બળાત્‍કારના ગુનામાં ૧૦ વર્ષની સજા ભોગવી રહ્યો હતો.

આ કેદી ૧૩ જુલાઈ, ૨૦૨૩ના રોજ રાજકોટ જેલમાંથી પેરોલ રજા પર મુક્‍ત થયો હતો. જોકે, રજા પૂર્ણ થયા બાદ તે જેલમાં હાજર થવાને બદલે ફરાર થઈ ગયો હતો.

બાતમી મુજબ, આરોપી હળવદ તાલુકાના સાપકડા ગામે છુપાઈને મજૂરી કામ કરી રહ્યો હતો. આ બાતમીના આધારે પેરોલ ફલો સ્‍ક્‍વોડની ટીમે તાત્‍કાલિક દરોડો પાડી ખેમાભાઈ કટારાને ઝડપી પાડયો હતો.

પકડાયેલા આરોપીની અટકાયત કરીને તેને બાકીની સજા ભોગવવા માટે પુનઃ રાજકોટ મધ્‍યસ્‍થ જેલ ખાતે મોકલી આપવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(11:42 AM IST)