<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st January 2026

કાલે હર્ષ સંઘવી ધ્રોલમાં

જામનગર જિલ્લાના પરિવહન ક્ષેત્રે વિકાસનો સૂર્યોદય થશેઃ ધ્રોલ ખાતે અધ્‍યતન એસ.ટી. ડેપો-વર્કશોપ અને જોડીયામાં નવા બસ સ્‍ટેશનું નાયબ મુખ્‍ય મંત્રીના હસ્‍તે ભવ્‍ય ખાતમુહૂર્ત

(સંજય ડાંગર દ્વારા) તા.૩૧: ધ્રોલ જામનગર જિલ્લાના પ્રજાજનો અને મુસાફરોની સુખાકારી માટે ગુજરાત રાજ્‍ય માર્ગ વાહનવ્‍યવહાર નિગમ દ્વારા મહત્‍વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્‍યો છે. કાલે તારીખ ૦૧-૦૨-૨૦૨૬, રવિવારના રોજ ધ્રોલ ખાતે નવનિર્મિત થનાર એસ.ટી. ડેપો-વર્કશોપ તથા જોડીયા મુકામે આધુનિક એસ.ટી. બસ સ્‍ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ ભવ્‍ય રીતે યોજાનાર છે.

ધ્રોલ ડેપો-વર્કશોપના પટાંગણમાં બપોરે ૩:૦૦ કલાકે આયોજિત આ કાર્યક્રમ રાજ્‍યના નાયબ મુખ્‍યમંત્રી શ્રી હર્ષ સંઘવીના વરદ્‌ હસ્‍તે સંપન્ન થશે. આ અવસરે વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, વાહનવ્‍યવહાર રાજ્‍ય મંત્રી શ્રી પ્રવિણભાઈ માળી તથા શિક્ષણ રાજ્‍ય મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાની ગરિમામય ઉપસ્‍થિતિ રહેશે.

આ નવતર પ્રકલ્‍પોથી જામનગર જિલ્લાના પરિવહન માળખાને નવી ઉર્જા મળશે. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે જામનગર-દેવભૂમિ દ્વારકાના સાંસદ શ્રીમતી પૂનમબેન માડમ તથા જામનગર ધારાસભ્‍ય ઉપસ્‍થિત રહી પ્રાસંગિક ઉદ્દબોધન કરશે. ધ્રોલ ખાતે આધુનિક વર્કશોપ બનવાથી બસોનું ટેકનિકલ મેન્‍ટેનન્‍સ વધુ ઝડપી બનશે અને જોડીયામાં નવા બસ સ્‍ટેશનના નિર્માણથી ગ્રામીણ મુસાફરોને બેસવા-ઉઠવાની ઉત્તમ સુવિધા પ્રાપ્ત થશે. એસ.ટી. નિગમના વિભાગીય નિયામક, જામનગર દ્વારા આ કાર્યક્રમમાં બહોળી સંખ્‍યામાં પધારવા જાહેર જનતાને નિમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે. તેવું આમંત્રણ પત્રિકા ની યાદીમાં જણાવાયું છે. 

 

(1:23 PM IST)