News of Saturday, 31st January 2026
કેશોદના ખમીદાણા ગામમાં 6 મહિના પહેલા ગુમ થયેલા મણીબેન બારૈયાની હત્યા થયાની આશંકા પ્રબળ બની
ગામના કૂવામાંથી માનવ હાડકા અને સોનાના દાગીના મળતા પોલીસે FSL ની મદદથી તપાસ શરૂ કરી: લૂંટના ઈરાદે હત્યા થઈ હોવાની આશંકા વચ્ચે પોલીસે એક શંકાસ્પદની અટકાયત કરી: DNA ટેસ્ટ બાદ ઓળખ સ્પષ્ટ થશે

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં આવેલું શાંત ખમીદાણા ગામ ખળભળાટ મચ્યો છે. છેલ્લા 6 મહિનાથી ગુમ થયેલા એક વૃદ્ધ મહિલાના કેસમાં અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. ગામના જ એક સીમ વિસ્તારમાં આવેલા કૂવામાંથી માનવ શરીરના અવશેષો અને ઘરેણાં મળી આવતા સમગ્ર પંથકમાં ભય અને આશ્ચર્યનો માહોલ છે. 6 મહિના પહેલા ગુમ થયેલા મણીબેન રામદેભાઈ બારૈયાની આ હત્યા હોવાની આશંકાએ પોલીસ દોડતી થઈ છે.
મણીબેન બારૈયા 6 મહિના પહેલા અચાનક પોતાના ઘરેથી ગુમ થયા હતા. પરિવારજનોએ તેમની આસપાસના ગામોમાં, સગા-સંબંધીઓમાં અને શક્ય તમામ સ્થળોએ શોધખોળ કરી હતી, પરંતુ તેમનો કોઈ પત્તો મળ્યો ન હતો. આખરે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી. પરિવારના જણાવ્યા મુજબ, મણીબેન જ્યારે ઘરેથી નીકળ્યા ત્યારે તેમણે લાખોની કિંમતના સોનાના દાગીના પહેરેલા હતા અને તેમની પાસે મોટી માત્રામાં રોકડ પણ હતી. આ જ બાબત હવે તપાસનું મુખ્ય કેન્દ્ર બની છે.
ખમીદાણા ગામની સીમમાં આવેલા એક કૂવામાં કંઈક શંકાસ્પદ હોવાની બાતમી મળતા પોલીસે તપાસ આદરી હતી. તપાસ દરમિયાન કૂવાના તળિયેથી એક થેલી મળી આવી છે, જેમાં માનવ હાડકા અને સોનાના કેટલાક દાગીના હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું છે. લાંબા સમયથી મૃતદેહ પાણીમાં અને કચરામાં દબાયેલો હોવાથી શરીર સંપૂર્ણપણે નાશ પામ્યું છે અને માત્ર હાડપિંજરના અવશેષો જ બાકી રહ્યા છે. આ દ્રશ્યો એટલા ભયાનક હતા કે ગ્રામજનો પણ સ્તબ્ધ થઈ ગયા હતા.
(2:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
