News of Saturday, 31st January 2026
કચ્છના ૭.૭ની તીવ્રતાના મહા ભૂકંપને ૨૫ વર્ષ પૂર્ણ : વિનાશ બાદ હવે ભૂકંપપ્રૂફ ‘ભૂંગા’ સ્ટ્રક્ચર તરફ વળતા લોકો
ભૂકંપમાં આરસીસીના મકાનો પત્તાના મહેલની જેમ ધરાશાયી થયા હતા, પરંતુ કચ્છના પરંપરાગત ગોળાકાર મકાનો એટલે કે ‘ભૂંગા’ અડીખમ રહ્યાતા

ભુજ : ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના રોજ ગુજરાતના કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપની ૨૫મી વર્ષગાંઠ નિમિત્તે કચ્છની પ્રજાની ખુમારી અને પરંપરાગત જ્ઞાન ફરી ચર્ચામાં આવ્યું છે. ૭.૭ની તીવ્રતાના એ ભૂકંપમાં આરસીસીના મકાનો પત્તાના મહેલની જેમ ધરાશાયી થયા હતા, પરંતુ કચ્છના પરંપરાગત ગોળાકાર મકાનો એટલે કે ‘ભૂંગા’ અડીખમ રહ્યા હતા. આ દુર્ઘટના બાદ કચ્છના લોકો અને સ્થાપત્યકારોએ આધુનિકતાની આંધળી દોટ છોડીને ફરીથી આપણી જૂની બાંધકામ શૈલી અપનાવી છે. હવે સ્મૃતિવન મેમોરિયલથી લઈને હોમસ્ટે સુધી સર્વત્ર ભૂંગા જોવા મળી રહ્યા છે.
નિષ્ણાતોના મતે, ૧૮૧૯ના ભૂકંપ બાદ મેઘવાળ સમુદાયે આ ગોળાકાર ડિઝાઈન વિકસાવી હતી. ભૂંગાનો ગોળ આકાર ભૂકંપની ધ્રુજારીને ચારે તરફ વિખેરી નાખે છે, જેથી દીવાલો પડતી નથી. વળી, તે વાવાઝોડામાં પણ સુરક્ષિત રહે છે અને રણમાં ગરમી-ઠંડી સામે રક્ષણ આપે છે.
‘હુન્નરશાળા’ જેવી સંસ્થાઓ અને કારીગરોએ આ જૂની ટેકનિકમાં સુધારા કરી તેને આધુનિક બનાવી છે. આજે કચ્છમાં પ્રવાસન માટે આવતા લોકો ટેન્ટ સિટી અને રિસોર્ટમાં પણ આ જ ભૂંગામાં રહેવાનું પસંદ કરે છે. આ પરિવર્તન સાબિત કરે છે કે આપત્તિ સામે આપણી પરંપરાગત વાસ્તુકળા કેટલી સક્ષમ હતી.
(7:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
