News of Saturday, 31st January 2026
ભાવનગર મનપાની સામાન્ય સભામાં લીઝપટ્ટા રિન્યુઅલ સહિતના તમામ 18 દરખાસ્તોને સર્વાનુમતે મંજૂરી
તંત્ર હવે આ મંજૂર થયેલા એજન્ડાઓના અમલીકરણ માટે આગામી સપ્તાહથી કાર્યરત થશે, જેની સીધી અસર શહેરના પાયાના કામો પર જોવા મળશે.

ભાવનગર: શહેરના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે આજે ભાવનગર મહાનગરપાલિકા (BMC)ની મહત્વની સાધારણ સભા મેયર ભરત બારડના અધ્યક્ષસ્થાને મળી હતી. સભાના પ્રારંભે વિરોધ પક્ષના આક્રમક વલણને કારણે વાતાવરણ ગરમાયું હતું, તેમ છતાં અંતે લીઝપટ્ટા રિન્યુઅલ સહિતના તમામ 18 દરખાસ્તોને સર્વાનુમતે મંજૂરી આપી દેવામાં આવી હતી.
સભાની શરૂઆત પ્રશ્નોત્તરી કાળથી થઈ હતી, જેમાં વિરોધ પક્ષે લીઝપટ્ટાના નિયમો અને તેની સમયમર્યાદા બાબતે શાસક પક્ષને ભીંસમાં લીધો હતો. ખાસ કરીને જૂના કરારો અને પેન્ડિંગ રિન્યુઅલ પ્રક્રિયામાં પારદર્શિતાના મુદ્દે વિવાદ સર્જાયો હતો. જોકે, મ્યુન્સિપલ કમિશનર અને ટેકનિકલ અધિકારીઓએ વહીવટી પ્રક્રિયાની સ્પષ્ટતા કરતા મામલો થાળે પડ્યો હતો.
સભામાં રજૂ થયેલા 18 એજન્ડાઓમાં મુખ્યત્વે આ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું: શહેરના આંતરમાળખાકીય સુવિધાઓમાં સુધારો. લાંબા સમયથી પડતર એવા લીઝપટ્ટા રિન્યુઅલની દરખાસ્તોનો નિકાલ. શહેરી આયોજન અને ટ્રાફિક વ્યવસ્થાપનને લગતા પ્રોજેક્ટ્સ.
આ બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુ રાબડીયા, મ્યુન્સિપલ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. રાજકીય વિશ્લેષકોના મતે, ભાવનગર જેવી ઝડપથી વિકસતી મહાનગરપાલિકા માટે લીઝપટ્ટાના પ્રશ્નો ઉકેલવા તે આવકની દ્રષ્ટિએ પણ મહત્વનું છે. સર્વાનુમતે લેવાયેલા આ નિર્ણયોથી આગામી સમયમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની તિજોરીમાં વધારો થવાની સાથે નાગરિક સુવિધાઓમાં પણ વૃદ્ધિ થશે.
(10:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
