News of Sunday, 1st February 2026
જગતના તાત પર કુદરત રૂઠી: ધોરાજીમાં મિશ્ર ઋતુએ રવિ પાકનો સોથ વાળ્યો, ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો
ભરશિયાળે કમોસમી માહોલથી પાયમાલી: ચણા, ધાણા અને તુવેરના પાકમાં ફૂગ અને જીવાતનો કહેર, વીઘે ₹12 હજારનો ખર્ચ માથે પડતા ખેડૂતોની આંખોમાં આંસુ; હવે સરકાર સામે આર્થિક વળતરની આશા

ધોરાજી : સૌરાષ્ટ્રના કૃષિ પટ્ટામાં ગણાતા ધોરાજી પંથકમાં કુદરતના પ્રકોપે ખેડૂતોની કમર તોડી નાખી છે. છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં જે વિચિત્ર પલટો આવ્યો છે, તેણે લહેરાતા ખેતરોને ઉજ્જડ બનાવી દીધા છે. વહેલી સવારે પડતું ગાઢ ધુમ્મસ અને બપોરે વધતા તાપમાનને કારણે રવિ પાક સંપૂર્ણપણે ફેઈલ જવાની ભીતિ સેવાઈ રહી છે. મહેનત કરીને ઉછારેલો પાક નજર સામે સુકાતો જોઈ 'જગતનો તાત' આજે લાચાર બનીને આકાશ તરફ મીટ માંડી રહ્યો છે.
ખાસ કરીને ચણા અને ધાણાના પાકમાં જ્યારે ફૂલ આવવાનો સમય હતો, બરાબર ત્યારે જ ઝાકળ પડતા પાક બળીને ખાખ થઈ ગયો છે. વાદળછાયા વાતાવરણને કારણે પાકમાં ફૂગનો ઉપદ્રવ એટલો વધ્યો છે કે મોંઘીદાટ દવાઓના છંટકાવ પછી પણ કોઈ પરિણામ મળી રહ્યું નથી. તુવેરના પાકમાં પણ ઈયળો અને જીવાતે મોર ખાઈ જતાં ખેડૂતોને હવે ઉત્પાદન મળવાની આશા ઠગારી નીવડી રહી છે.
આર્થિક રીતે જોતા ખેડૂતો અત્યારે દેવાના ડુંગર નીચે દબાઈ રહ્યા છે. બિયારણ, ખાતર અને મજૂરી પાછળ વીઘે ૮ થી ૧૨ હજાર રૂપિયાનો આંધણ કર્યા પછી હવે જ્યારે વળતર મળવાનો સમય આવ્યો, ત્યારે કુદરતે ખેલ બગાડ્યો છે. નાના ખેડૂતો અને ભાગિયાઓ જેમણે ઉધાર પૈસા લાવીને વાવેતર કર્યું હતું, તેમની સ્થિતિ સૌથી વધુ કફોડી બની છે. ખેડૂતોનું કહેવું છે કે જો આ વર્ષે પાક નિષ્ફળ જશે તો ઘર ચલાવવું પણ મુશ્કેલ થઈ પડશે.
ધોરાજી પંથકના ખેડૂતોની હવે એક જ માંગ છે કે સરકાર વહેલી તકે સર્વે કરી નુકસાનીનું વળતર ચૂકવે. જો સમયસર સહાય નહીં મળે તો પાયમાલ થયેલો ખેડૂત ફરી બેઠો થઈ શકશે નહીં. મિશ્ર ઋતુના આ 'મૃત્યુઘંટ' વચ્ચે ખેતી પાકો પર આવેલી આફત પંથકના અર્થતંત્રને પણ મોટો ફટકો મારી શકે છે. હવે જોવાનું એ રહે છે કે સરકાર અને તંત્ર ક્યારે ખેડૂતોની આ વેદના સાંભળે છે.
(11:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
