News of Sunday, 1st February 2026
ગીર સોમનાથના 'અનસ્ટોપેબલ' ખેલાડીઓનો વલસાડમાં ડંકો: ખેલ મહાકુંભ ૨૦૨૫માં શૂટિંગ વોલીબોલમાં જીત્યો બ્રોન્ઝ મેડલ
ઉંમર માત્ર એક આંકડો છે! એબોવ ૪૦ કેટેગરીમાં ઊના, વેરાવળ અને સુત્રાપાડાના ખેલાડીઓએ મેદાન ગજવ્યું; રાજ્ય કક્ષાની સ્પર્ધામાં કટ્ટર હરીફોને હરાવી મેળવ્યું ત્રીજું સ્થાન, સમગ્ર જિલ્લામાં ખુશીની લહેર

ઊના (ગીર સોમનાથ): ગુજરાત સરકાર દ્વારા આયોજિત રમતગમતના સૌથી મોટા મહોત્સવ 'ખેલ મહાકુંભ ૨૦૨૫' માં ગીર સોમનાથ જિલ્લાના વેટરન ખેલાડીઓએ પોતાની તાકાત અને અનુભવનો પરચો આપ્યો છે. વલસાડના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાની શૂટિંગ વોલીબોલ સ્પર્ધામાં ગીર સોમનાથની 'એબોવ ૪૦' (૪૦ વર્ષથી વધુ ઉંમરની) ટીમે અદભૂત રમતનું પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે. યુવા ખેલાડીઓને પણ શરમાવે તેવી સ્ફૂર્તિ અને સચોટ નિશાનબાજી સાથે આ ટીમે રાજ્ય કક્ષાએ ત્રીજું સ્થાન પ્રાપ્ત કરીને જિલ્લાનું ગૌરવ સાતમા આસમાને પહોંચાડ્યું છે.
આ વિજયી ટીમમાં ઊનાના મિહિર પરમાર અને ધર્મેશ દવે, સુત્રાપાડાના હિરેન સોલંકી, વેરાવળના રામસિંહ મોરી સહિત કિશોર વાયલુ, મહેબૂબભાઈ સમા, પીતાંબર બાશ્વાની અને જેઠાનંદ કાજણી જેવા દિગ્ગજ ખેલાડીઓએ ખભેખભા મિલાવીને મેદાન માર્યું હતું. વલસાડના મેદાન પર જ્યારે ગીર સોમનાથના ખેલાડીઓએ શૂટિંગ વોલીબોલની રમત શરૂ કરી, ત્યારે તેમની આક્રમક રણનીતિ સામે વિરોધી ટીમોના પસીના છૂટી ગયા હતા. સેમીફાઈનલના રોમાંચક જંગ બાદ ટીમે શાનદાર વાપસી કરીને બ્રોન્ઝ મેડલ કબજે કર્યો હતો.
રાજ્ય કક્ષાએ મળેલી આ સફળતા બાદ વિજેતા ખેલાડીઓનું માદરે વતન પહોંચતા ભવ્ય સ્વાગત કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ જીત સાબિત કરે છે કે રમતગમત પ્રત્યેનો ઉત્સાહ અને જીતવાનો જજ્બો વય મર્યાદાના બંધનોમાં કેદ હોતો નથી. ગીર સોમનાથના આ ખેલાડીઓએ માત્ર મેડલ જ નથી જીત્યો, પરંતુ આવનારી પેઢી માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે કે જો નિશ્ચય અડગ હોય તો સફળતાના શિખરો સર કરવા માટે કોઈપણ ઉંમર યોગ્ય છે.
(3:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
