<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st February 2026

ગિરનારના ગઢ સર કરવા દેશભરના સ્પર્ધકોની દોટ : ૧૮મી અખિલ ભારત ગિરનાર આરોહણ - અવરોહણ સ્પર્ધામાં ગુજરાત અને ઉત્તર પ્રદેશનો દબદબો

૫૧૬ સ્પર્ધકો વચ્ચે ખેલાયો જંગ : સિનિયર ભાઈઓમાં અનિલ વસાવ અને બહેનોમાં તામસી સિંઘ વિજેતા : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘ફિટ ઇન્ડિયા’ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના ‘મેદસ્વિતા મુક્ત ગુજરાત’ના મંત્રને ખેલાડીઓએ કર્યો સાર્થક

(વીનું જોષી દ્વારા), જૂનાગઢ : રાજ્યના સૌથી ઊંચા પર્વત ગિરનારને સર કરવા માટે રવિવારે ૧૮મી અખિલ ભારત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા-૨૦૨૬નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. યુવક સેવા સાંસ્કૃતિક વિભાગ અને જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ સ્પર્ધામાં દેશના ૧૨ રાજ્યોના ૫૧૬ સ્પર્ધકોએ પૂરા જોમ અને જુસ્સા સાથે ભાગ લીધો હતો.
વિજેતાઓના તેજસ્વી પરિણામો
સીનીયર અને જુનિયર કેટેગરીમાં રમાયેલી આ સ્પર્ધામાં ઉત્તર પ્રદેશ અને ગુજરાતના ખેલાડીઓએ મેદાન માર્યું હતું:
 * સીનીયર ભાઈઓ: ગુજરાતના અનિલ વસાવા ૫૮.૧૬ મિનિટના રેકોર્ડ સમય સાથે પ્રથમ ક્રમે રહ્યા હતા. ઇનેશ વસાવા (ગુજરાત) બીજા અને દીવના વિજ્ઞનેશ ચીમનલાલ ત્રીજા ક્રમે રહ્યા હતા.
 * સીનીયર બહેનો: ઉત્તર પ્રદેશની તામસી સિંઘે ૩૨.૧૪ મિનિટમાં ગિરનાર સર કરી પ્રથમ ક્રમ મેળવ્યો હતો. નેહા મિશ્રા (ઉત્તર પ્રદેશ) બીજા અને કાજલ વેગડ (ગુજરાત) ત્રીજા સ્થાને રહી હતી.
 * જુનિયર ભાઈઓ: ગુજરાતના દિવાકર રાજભર ૬૦.૫૨ મિનિટના સમય સાથે પ્રથમ, વિમલ વણઝારા (ગુજરાત) બીજા અને અંકુરભાઈ (ઉત્તર પ્રદેશ) ત્રીજા ક્રમે વિજેતા થયા હતા.
 * જુનિયર બહેનો: ૩૭.૨૦ મિનિટના સમય સાથે બંદના યાદવ (ઉત્તર પ્રદેશ) પ્રથમ, અસ્મિતા કઠેસીયા (ગુજરાત) બીજા અને કાજલ સોલંકી (ગુજરાત) ત્રીજા ક્રમે રહી હતી.
માતબર ઇનામી રાશિ અને સન્માન
ભવનાથ સ્થિત મંગલનાથ આશ્રમ ખાતે યોજાયેલા ઇનામ વિતરણ સમારોહમાં વિજેતાઓને ટ્રોફી, પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. ચારેય કેટેગરીમાં પ્રથમ આવનારને ૧ લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું હતું. કુલ ૧૦ ક્રમ સુધીના વિજેતાઓ વચ્ચે ૧૯ લાખ રૂપિયાની ઇનામી રાશિ વિતરિત કરવામાં આવી હતી.
ગિરનારની ઉર્જા અને સંકલ્પ
ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ અધ્યક્ષીય પ્રવચનમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી આ અઘરી સ્પર્ધાની ઇનામી રાશિમાં વધારો કરવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું કે આ સ્પર્ધા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘ફિટ ઇન્ડિયા’ મંત્રને સાકાર કરે છે અને ગિરનારી મહારાજ તેમજ સાધુ-સંતોના આશીર્વાદથી સ્પર્ધકોને અનોખી ઉર્જા મળે છે. કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ સવારે ૬:૪૫ કલાકે સ્પર્ધાનો ફ્લેગ ઓફ કરાવી પ્રારંભ કરાવ્યો હતો.
જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીમતી એન.ડી. વાળા અને તેમની ટીમે સ્પર્ધાનું સફળ આયોજન કર્યું હતું. આ પ્રસંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન પલ્લવીબેન ઠાકર, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયા, શાસક પક્ષના નેતા મનન અભાણી તેમજ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મ્યુનિસિપલ કોલેજના તબીબો અને જિલ્લા વ્યાયામ મંડળના શિક્ષકોએ પણ સ્પર્ધાને સફળ બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું.

(4:11 PM IST)