News of Monday, 2nd February 2026
કચ્છના રસ્તાઓ ઉપર કાળચક્રઃ પાંચ અકસ્માતમાં છના મોત
બે બાઇક વચ્ચે જીવલેણ ટક્કર, બસ, ટ્રક, ટ્રેલરની ટક્કરમાં જિંદગીઓ ઉપર પૂર્ણ વિરામ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨ કચ્છ જિલ્લામાં તંત્ર દ્વારા ચલાવતા માર્ગ સલામતી સપ્તાહ જેવા અભિયાન માત્ર પ્રસિદ્ધિમાં વધુ અને રસ્તાઓ ઉપર બિન અસરકારક હોય એવી પરિસ્થિતિ છે. જોકે, વાહન ચાલકો પણ સ્વયં શિસ્ત જાળવીને વાહન ચલાવવાને બદલે ગતિ મર્યાદા ચૂકી બેદરકારીથી વાહન ચલાવી પોતાની તેમ જ બીજાની જિંદગી જોખમમાં મૂકે છે. પૂર્વ અને પヘમિ કચ્છમાં અલગ અલગ પાંચ માર્ગ અકસ્માતોમાં છ જણાએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. લખપત તાલુકાના ઘડુલી અને વિરાણી ગામ વચ્ચે રસ્તા ઉપર બે બાઈક સામસામે ભટકાતાં બંને બાઈકના ચાલકો ૨૨ વર્ષીય વિનોદ લધા કોળી અને ૧૯ વર્ષીય મહાવીરસિંહ જાલુભા સોઢાના અરેરાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે અંજાર ગાંધીધામ નેશનલ હાઇવે ઉપર જીનસ કંપની પાસે પગપાળા જતા રાહદારી રાજુલાલ નાગચંદ મીણાને ખાનગી લક્ઝરી બસે હડફેટે લેતાં તેનું મોત નીપજ્યું હતું. માંડવીના ગઢશીશા ગામે ખાનગી લક્ઝરી બસે યુવાન બાઈક ચાલકને કચડી નાખ્યો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલક મુકેશ અરજણ સંગારનું કરુણ મોત નીપજ્યું હતું. ભુજના લોડાઈ ગામે ટ્રકે બાઈકને હડફેટે લેતાં ૨૦ વર્ષીય યુવાન બાઈક ચાલક આશિષ ધનજી ચાડનું અરેરાટીભર્યું મોત નીપજ્યું હતું. ભચાઉમાં નેશનલ હાઇવે ઉપર આગળ જતી ટ્રકમાં પાછળથી ટ્રેલર ભટકાતાં ટ્રેલરના ચાલક કામતા કપિલ રાયે પોતાનો જીવ ગુમાવ્યો હતો. જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં જાણે માર્ગ ઉપર યમદૂત ફરી વળ્યો હોય એમ અલગ અલગ ૫ અકસ્માતોમાં ૬ જિંદગીઓ ઉપર પૂર્ણ વિરામ મુકાયું હતું. (૩.૫)
(10:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
