તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd February 2026
આણંદપરની બે વર્ષની ધર્મિષ્ઠાનું શિવનગરમાં મામાના ઘરે પાણીની ડોલમાં ડૂબી જતાં મોત
પૂજા બે મહિનાથી માવતરે રિસામણે હોઇ તેની દિકરી રમતી રમતી ડોલમાં પડી ગઇઃ નળ ચાલુ હોઇ વધુ પાણી પી જતાં બેભાન થઇ ગઇઃ બાળકોની હોસ્પિટલમાં ખસેડાઇ પણ જીવ ન બચ્યોઃ પરિવારમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૨: આણંદપર બાઘીમાં સાસરૂ ધરાવતી પરિણીતા હાલ ગ્રીનલેન્ડ ચોકડી પાસે શિવનગરમાં માવતરે રિસામણે હોઇ તેણીની બે વર્ષની દિકરી સાંજે રમતી રમતી બાથરૂમમાં પાણી ભરેલી ડોલમાં પડી જતાં અને તે વખતે નળ પણ ચાલુ હોઇ વધુ પાણી પી જતાં બેભાન હાલતમાં હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
જાણવા મળ્યા મુજબ મોરબી રોડ પરના આણંદપર બાઘી ગામે સાસરૂ ધરાવતી પૂજા અનિલ સોલંકી હાલ બે મહિનાથી રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડીએ આવોલ શીવનગર-૧માં પોતાના પિતા દેવરાજભાઇ મોહનભાઇ ઉધરેજીયાને ત્યાં રિસામણે હોઇ ગત સાંજે તેની દિકરી ધર્મિષ્ઠા અનિલ સોલંકી (ઉ.વ.૨) રમતી રમતી ઘરના બીજા માળે બાથરૂમમાં જતી રહેતાં ત્યાં પાણીની ડોલ ભરેલી હોઇ તેમાં પડી ગઇ હતી. આ વખતે નળ પણ ચાલુ થઇ ગયો હોઇ ધર્મિષ્ઠા ઉંધે માથે પડયા બાદ પાણી પી ગઇ હતી.
થોડીવારમાં માતાને ખબર પડતાં તે બાળકીને શોધવા નીકળી ત્યારે બાથરૂમમાં ભરેલી ડોલમાંથી તેણી મળી આવતાં બેભાન હાલતમાં રાજકોટ ઝનાના હોસ્પિટલમાં બાળકોના વિભાગમાં દાખલ કરી હતી. પરંતુ સારવાર દરમિયાન આ બાળકીને તબિબે મૃત જાહેર કરતાં કલ્પાંત સર્જાયો હતો. બાળકી એક ભાઇથી નાની હતી. તેના પિતા અનિલભાઇ છુટક ડુંગળીની ફેરી કરી ગુજરાન ચલાવે છે. હોસ્પિટલ મારફત એ-ડિવીઝન પોલીસને જાણ થતાં ત્યાંથી બી-ડિવીઝન પોલીસને વાકેફ કરવામાં આવતાં એએસઆઇ કે. વી. ગોહિલે કાર્યવાહી કરી હતી.
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
