<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

ગોંડલમાં જુની અદાવતમાં રીક્ષાને આગ ચંપાઇ

રીક્ષાચાલક સાદીકભાઇની સોયબ, સિકંદર અને સલીમ સામે પોલીસમાં ફરીયાદ

તસ્‍વીરમાં સળગાવી દેવાયેલ રીક્ષા નજરે પડે છે. (તસ્‍વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ) 

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.,૨ : ગોંડલમાં ગત રાત્રીનાં ખટારા સ્‍ટેન્‍ડ ડો.આંબેડકરનાં પુતળા પાસે રીક્ષા ને આગ ચાંપી દેવાતા રીક્ષા સળગીને ખાખ થઈ ગઈ હતી.

બનાવની જાણ થતા દોડી આવેલા ફાયર ફાઇટરે પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી.જુની માથાકુટને કારણે રીક્ષામાં આગ લગાવાયાનું બહાર આવ્‍યું હતું. બનાવ અંગે એ ડીવીઝન પોલીસમાં  ત્રણ શખ્‍સો સામે ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી છે.

શહેરના નાની બજાર વિસ્‍તારમાં રહેતા સાદીકભાઈ આદમભાઈ મીઠાણી નામના રિક્ષાચાલકે પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ પોતાના ભાઈની રિક્ષા ચલાવીને રોજગાર મેળવે છે.

ફરિયાદ અનુસાર, સાદીકભાઈ પોતાની રિક્ષા નંબર GJ-03-૩૩૪૬ ને ડો. બાબાસાહેબ આંબેડકર સ્‍ટેચ્‍યુ પાસે પાર્ક કરી કામ અર્થે રાજકોટ ગયા હતા. રાત્રે પરત ફર્યા ત્‍યારે તેમની રિક્ષા સંપૂર્ણ રીતે સળગેલી હાલતમાં મળી આવી હતી.

પોલીસ તપાસ દરમિયાન આ ઘટનામાં ત્રણ શખ્‍સોની સંડોવણી હોવાનું સામે આવ્‍યું છે. જેમાં સોયબ મામનભાઈ,પીંજારો,અને સિકંદર ઉર્ફે સીકલો સલીમભાઈ શેખનો સમાવેશ થાય છે.

ફરિયાદમાં જણાવ્‍યા મુજબ, મુખ્‍ય આરોપી સિકંદર ઉર્ફે સીકલો સાથે સાદીકભાઈને આશરે દોઢ વર્ષ પહેલા કોઈ બાબતે ઝઘડો થયો હતો.

આ જૂની અદાવતનો ખાર રાખીને આરોપીઓએ મોકો જોઈ રિક્ષા પર કેરોસીન છાંટી આગ ચાંપી દીધી હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્‍યો છે.

આ ઘટનામાં રિક્ષાચાલકને અંદાજે રૂ. ૨૦,૦૦૦/-નું આર્થિક નુકસાન થયું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ મામલે પોલીસમાં ફરિયાદ થતા હેડ કોન્‍સ્‍ટેબલ કળષ્‍ણરાજસિંહ જાડેજા દ્વારા  તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા ફરાર આરોપીઓને ઝડપી લેવા માટે કાર્યવાહી તેજ કરવામાં આવી છે.

(1:30 PM IST)