<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

કેશોદ તાલુકાના ખમીદાણા ગામેથી સાત માસ પૂર્વે રહસ્યમય રીતે ગુમ થયેલ વૃધ્ધાના વણશોધાયેલ કેસમાં વૃદ્ધાનું ખૂન કરી દાગીનાની લુંટ કરેલ તથા વૃદ્ધાની લાશ સાથે બળાત્કાર કરવાની કોશીષનો ભેદ ઉકેલતી જુનાગઢ રેન્જ પોલીસ

જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયાની આગેવાનીમાં ભેદ ઉકેલાયો : આરોપીના ઘર પાસે વૃદ્ધા પહોંચતા આરોપી મહેશએ સૌપ્રથમ તેને પાણી પીવાના બહાને પોતાના ઘરે બોલાવીને વૃદ્ધાના મોઢા ઉપર હાથથી ડુમો દઇ સોફા ઉપર પાડી દઇ વૃદ્ધાએ ઓઢેલ ઓઢણાથી જ ગળાટુપો આપી મોત નિપજાવેલ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨ : જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયાએ વણશોધાયેલ ગુનાઓ શોધવા સુચના કરેલ હોય, જે અનુસંધાને પોલીસ ઇન્સપેકટર સી.વી.નાયક ક્રાઇમ ટેબલ-૧ ના માર્ગદર્શન હેઠળ જુનાગઢ રેન્જના પો.સ.ઇ. સી.એમ.ચાવડા ક્રાઇમ ટેબલ-૧ તથા સાયબર પોલીસ સ્ટેશન જુનાગઢ રેન્જના પો.સ.ઇ.શ્રી બૌ. ડી. માવદીયા, પો.સ.ઇ. ડી. બી. ખેર, પો.સ.ઈ.શ્રી જી. કે. ઠાકર તથા ક્રાઇમ ટેબલ-૧ના પોલીસ સ્ટાફ દ્વારા વણશોધાયેલ રહેલ ગુનાઓ શોધવા પ્રયત્નશીલ હતા. જેમાં કેશોદ તાલુકાના ખમીદાણા ગામેથી સાત માસ પૂર્વે રહસ્યમય રીતે ગુમ થયેલ વૃધ્ધાના વણશોધાયેલ રહેલ બનાવમાં વૃદ્ધાનું ખૂન કરી દાગીનાની લુંટ કરેલ તથા વૃદ્ધાની લાશ સાથે બળાત્કાર કરવાની કોશીષનો ભેદ ઉકેલેલ છે.

ગઇ તા.૦૭/૦૬/૨૦૨૫ ના રોજ સુમરીબેન ઉર્ફે મણીબેન રામદેભાઇ બારૈયા જાતે-કોળી ઉ.વ. ૬૫ રહે. ગામ ખમીદાણા વાળા પોતાના ગામના સરકારી દવાખાના પાસેથી ગુમ થયેલ હતા. બાદ કેશોદ પોલીસ સ્ટેશનમાં ગુમ/જાણવાજોગ નંબર ૦૯/૨૦૨૫ થી દાખલ થયેલ હતી.

આ કામે ખમીદાણા તથા આજુ-બાજુના ગામડાઓમાંથી અલગ-અલગ કુલ-૪૫૦ લોકોની વિગતવાર પુછપરછ કરેલ.

         ગુમ થનાર વૃદ્ધા સુમરીબેનના તમામ સગા-વ્હાલાઓની પુછપરછ કરેલ.ખમીદાણા તથા આજુ-બાજુના ગામની અવાવરૂ જગ્યાઓની તપાસ કરેલ.કેશોદ તાલુકા વિસ્તારના ધર્મશાળા, આશ્રમો, મંદિરો, ધાર્મિક જગ્યાઓ વિગેરેમાં પણ તપાસ કરેલ.

કેશોદ તાલુકા વિસ્તારના આજુબાજના સોની વેપારીઓની ગુમ થયેલ વૃધ્ધા પાસે રહેલ દાગીના હોય જેથી તેઓની

પણ પુછપરછ કરેલ. કેશોદ, માંગરોળ તથા શીલ પોલીસ સ્ટેશન વિસ્તારના હીસ્ટ્રીશીટર તથા રીઢા ગુન્હેગારોની પુછપરછ કરવામાં આવેલ.

      બાદ ક્રાઇમ ટેબલ-૧ જુનાગઢ રેન્જના પો.સ.ઈ. સી. એમ. ચાવડા તથા ટીમના એ.એસ.આઇ. ગીરૂભા વાઘેલા, પોલીસ હેડ કોન્સ. ભનુભાઇ ઓડેદરા તથા પોલીસ કોન્સ. પ્રવિણસિંહ મોરી વિગેરે પોલીસ સ્ટાફ દ્વારા આ બનાવમાં અમુક વધુ શંકાસ્પદ લાગતા ઇસમો પૈકી ખમીદાણા ગામના મહેશ મુકેશભાઈ વ્યાસ ઉ.વ.૩૦ વાળાની યુક્તિ-પ્રયક્તિથી ઉંડાણપૂર્વકની પાંચેક કલાકથી વધુ સમયની પુછપરછ દરમિયાન ભાંગી પડી ઉપરોક્ત બનાવની કબુલાત આપેલ.

          ગઇ તા.૦૭/૦૬/૨૦૨૫ના રોજ સુમરીબેન ઉર્ફે મણીબેન રામદેભાઇ બારૈયા જાતે-કોળી ઉ.વ.૬૫ રહે.ખમીદાણા ગામ વાળા પોતાના ગામના સરકારી દવાખાના ખાતે તેમના પતિ રામદેભાઇની સારવાર માટે આયુષ્યમાન કાર્ડ કઢાવવા ગયેલ હતા પરંતુ સરકારી દવાખાનુ બંધ હોવાથી પરત પોતાના ઘરે જતા હોય તે રસ્તામાં સરકારી દવાખાનાથી થોડે દુર ઉપરોક્ત આરોપીનુ ઘર આવેલ હોય અને આરોપી અગાઉથી વૃદ્ધાને સારી રીતે ઓળખતો હોયઅને તેને ખ્યાલ હોય કે, વૃદ્ધા પોતાના દાગીના થેલીમાં સાથે જ રાખે છે. જેથી આરોપી ઘરે એકલો હોય અને આરોપીના ઘર પાસે વૃદ્ધા પહોંચતા આરોપી મહેશએ સૌપ્રથમ તેને પાણી પીવાના બહાને પોતાના ઘરે બોલાવી વૃદ્ધા રૂમમાં પ્રવેશતા જ આરોપી મહેશે પાછળથી વૃદ્ધાના મોઢા ઉપર હાથથી ડુમો દઇ સોફા ઉપર પાડી દઇ વૃદ્ધાએ ઓઢેલ ઓઢણાથી જ ગળાટુપો આપી મોત નિપજાવેલ. 

બાદ આરોપીની દાનત બગડતા વૃદ્ધાની લાશ સાથે બળાત્કારની કોશીષ કરેલ અને ત્યારબાદ પ્લાસ્ટીકના એક કોથળામાં વૃદ્ધાની લાશને નાખી કોથળાને દોરીથી બાંધી દીધેલ. જ્યારે વૃદ્ધાની થેલીમાંથી મળેલ સોનાના દાગીના આરોપીએ પોતાના ઘરમાં સંતાળી દીધેલ અને અન્ય ચીજવસ્તુઓ થેલીમાં જેમના તેમ રાખી તે થેલી બીજા એક પ્લાસ્ટીકના કોથળામાં કે જેમાં નાળીયેર ભરેલ હતા તેની સાથે ભરી, વૃદ્ધાની લાશનો કોથળો તથા વૃદ્ધની અન્ય ચીજવસ્તુ અને નારિયલ ભરેલ કોથળો એ રીતેના બંને કોથળા વારાફરતી પોતાના મોટર સાયકલ ઉપર બાંધી ગામથી થોડે દુર આવવરૂ જગ્યામાં આવેલ એક કુવામાં ફેંકી દીધેલ.

કેશોદ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૨૦૩૦૩૦૨૬૦૦૬૫/૨૦૨૬ બી.એન.એસ. કલમ-૧૦૩(૧), ૩૦૯(૪), ૬૨, ૨૩૮(એ) વિગેરે મુજબનો ગુનો તા.૩૧/૦૧/૨૬ના રોજ દાખલ કરી, આગળની તપાસ કેશોદ પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી પી. એ. જાદવ નાઓએ સંભાળેલ છે.આરોપીની વિગત મહેશ મુકેશભાઇ વ્યાસ ઉ.વ.૩૦ રહે.ખમીદાણા તા.કેશોદ જિ.જુનાગઢ છે.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)

(4:22 PM IST)