News of Tuesday, 3rd February 2026
વાંકાનેર ક્ષત્રિય સમાજના પૂર્વ પ્રમુખ વજુભા ઝાલાની પુણ્યતિથીએ સેવાકાર્યો
પરિવાર દ્વારા બ્રહ્મ ભોજન, બટુક ભોજન, પાણીના પરબની સુવિધા ઉપલબ્ધ

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ૩ :.. ક્ષત્રિય સમાજના પૂર્વ પ્રમુખ સ્વ. વજુભા સજુભા ઝાલાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તેમના પરિવાર દ્વારા વિવિધ સેવાકાર્યોનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે બ્રહ્મ ભોજન, બટુક ભોજન અને પાણીના પરબનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
મૂળ હળવદ તાલુકાના ચરાડવાના વતની સ્વ. વજુભાના પૂર્વજોએ વાંકાનેરને પોતાની કર્મભૂમિ બનાવી હતી. વાંકાનેરમાં સ્થાયી થયા બાદ તેમણે સેવાકાર્યો અને માનવતાવાદી અભિગમથી શહેર તથા તાલુકામાં નામના મેળવી હતી. તેઓ વાંકાનેરના ક્ષત્રિય સમાજના પ્રમુખ તરીકે સેવા આપી ચૂકયા હતા અને રાજવી પરિવાર સાથે પણ નિકટતા ધરાવતા હતા.
તેમના સ્વર્ગવાસને એક વર્ષ પૂર્ણ થતાં, પરિવારજનો દ્વારા શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે ભૂદેવોના ભંડારાનું આયોજન કરાયું હતું. આ ભંડારામાં શહેરના ભૂદેવોને ભોજન કરાવી હિન્દુ સનાતન ધર્મની પરંપરા મુજબ દક્ષિણા અર્પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત, શહેરના વિવિધ વિસ્તારોમાં બટુક ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
સેવાકાર્યોના ભાગરૂપે, નેશનલ હાઈવે સ્થિત પોલીસ સ્ટેશન બહાર પોલીસ સંચાલિત આમજનતા માટે R.O. સાથે મિનરલ પાણીનું પરબ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પરબનું ઉદઘાટન શહેર પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.એ. જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું.
પાણીના પરબના લોકાર્પણ પ્રસંગે જાડેજા હકુમતસિંહ (સીટી પીઆઇ વાંકાનેર), ઝાલા ભુપતસિંહ સજુભા, ઝાલા ધીરૂભા તખ્તસિંહ, ઝાલા દિપકસિંહ તખ્તસિંહ (શહેર ભાજપ મહામંત્રી) દિપકભાઇ પટેલ (શહેર ભાજપ પ્રમુખ), દિનુભાઇ વ્યાસ, મહાવીરસિંહ રાતીદેવરી, અજયસિંહ રણજીતસિંહ ઝાલા, મેહુલભાઇ ઠાકરણી, સાજીદભાઇ મેસાણીયા, અમીતભાઇ શાહ (શહેર ભાજપ મહામંત્રી), ધમેન્દ્રસિંહ વજુભા ઝાલા, રાકેશસિંહ ઝાલા, સધારકા, શકિતસિંહ ગંભીરસિંહ ઝાલા વઘાસીયા, મનુભા તખ્તસિંહ ઝાલા સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.
(11:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
