<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd February 2026

ખંભાળીયા પાલિકાના કચરાના ડમ્‍પીંગ યાર્ડમાં આગથી લોકો ગુંગળાયા

પૂર્વ જીલ્લા ભાજપ મહામંત્રીનો પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને કડક કાર્યવાહી કરવા આદેશ

 

 

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૩ :.. નગરપાલિકાના કચરાના ડમ્‍પીંગ યાર્ડના વિશાળ ઢગલાઓમાં આગ લાગતા તથા કલાકો સુધી આગ ના કાબૂમાં આવતા આગે ભીષણ રૂપ ધારણ કરતા છેક બે કિલો મીટરની જવાળા દેખાય તથા નજીકના વિસ્‍તારો ધુમાડાથી ભરાઇ જતા ગ્રામ્‍યજનો ગુંગળામણની સ્‍થિતિમાં મુકાયા હતા તથા કલાકો પછી પણ ફાયર બ્રીગેડની જહેમત છતાં આગ કાબુમાં આવી ન હતી.

જે જગ્‍યાએ પાલિકાનું કચરાનું ડમ્‍પીંગ યાર્ડ છે તેની નજીક જ ધરમપુરના ગ્રામ્‍ય વિસ્‍તાર તથા નજીકમાં જ તરઘડી, સખપર, સિંહણ સહિતના ગામોની જનતા રહેતી હોય વારંવાર આગ ધુમાડાના બનાવો બનતા જનતા પણ ત્રાસી ગઇ હોય આ અંગે તેમની રોસપૂર્ણ રજૂઆતોથી ધરમપુરના અગ્રણી તથા પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રીએ પાલિકા પ્રમુખ તથા ચીફ ઓફીસરને કડક કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો.

પાલિકા કચરાના ઢગલામાં વારંવાર આવી રીતે લાગતા આગ પાછળ કોઇ અસામાજિક તત્‍વો હોય પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી દ્વારા સેનેટરી ઇ. ને આ બાબતે પોલીસ ફરીયાદનો આદેશ કર્યો છે.

 ખંભાળીયા પાલિકામાં કચરાના ડમ્‍પીંગ યાર્ડમાં હજારો ટન કચરો પ્‍લાસ્‍ટીક વર્ષોથી પડેલા હોય વારંવાર  અહીં આગ લાગતી હોય નજીકની ગ્રામય જનતાના આરોગ્‍ય પર ખોટો ખતરો ઉભો થયો છે.

(1:23 PM IST)