કાલાવડ સોરઠા ગામના ખેડૂતો સાથે ૯૬.૯૭ લાખની છેતરપિંડી
૬૦૦૦ મણ મગફળી અને તલ-ચણા ઓહિયા કરી જનાર સામે ગુનો દાખલ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૪: જામનગર જિલ્લાના કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન હેઠળના સોરઠાગામ અને આસપાસના વિસ્તારના ખેડૂતો સાથે વિશ્વાસઘાત અને ઠગાઈનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. સોરઠાગામના એક જાગળત ખેડૂતે કાલાવડના એક શખ્સ સામે અંદાજે ૯૭ લાખ રૂપિયાની ખેતપેદાશો ખરીદી તેના નાણાં ન ચૂકવી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસ કાફલો દોડતો થયો છે.
ઘટનાની વિગતો મુજબ, સોરઠાગામમાં રહેતા અને ખેતીકામ કરતા ૩૦ વર્ષીય યુવાન કુલદીપભાઇ ગોરધનભાઇ કોઠીયા (પટેલ) એ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે, આજથી આશરે ત્રણેક મહિના પહેલા કાલાવડના કુંભનાથપરા વિસ્તારમાં રહેતા દિલીપભાઇ નારદભાઇ સાવલીયા નામના શખ્સે તેમનો તથા અન્ય ખેડૂતોનો સંપર્ક કર્યો હતો. આ શખ્સે ખેડૂતો પાસેથી વિશ્વાસમાં લઈ મગફળી, તલ અને સફેદ ચણા જેવી ખેતપેદાશોની ખરીદી કરી હતી.
આરોપીએ ખેડૂતોને ભરોસો આપ્યો હતો કે માલ લઈ ગયા બાદ ટૂંક સમયમાં જ તેના પૂરેપૂરા નાણાં ચૂકવી દેશે. જોકે, માલ લઈ ગયા બાદ આરોપી દિલીપ સાવલીયાએ નાણાં ચૂકવ્યા નહોતા અને ખેડૂતો સાથે છેતરપિંડી કરી નાસી છૂટયો હતો.
આ ઠગાઈમાં આરોપીએ ખેડૂતો પાસેથી ૬૦૭૩.૮ મણ મગફળી (કિંમત રૂ. ૮૪,૯૨,૨૦૪/-), ૧૧૨ મણ તલ (કિંમત રૂ. ૫,૮૦,૩૯૭/-) અને ૩૭૪ મણ સફેદ ચણા (કિંમત રૂ. ૬,૨૫,૦૦૦/-) મળી કુલ રૂ. ૯૬,૯૭,૬૦૧/- ની મત્તા પડાવી લીધી છે.
આ મામલે કાલાવડ ગ્રામ્ય પોલીસે આરોપી દિલીપભાઇ સાવલીયા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૧૬(૨) અને ૩૧૮(૪) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઇન્ચાર્જ પીએસઆઇ એન. વી. આંબલીયા અને પીએસઆઇ સી. બી. રાંકજા સહિતનો સ્ટાફ ફરાર આરોપીને પકડવા અને આ કૌભાંડમાં અન્ય કોઈ શખ્સોની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ ચલાવી રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
