<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th February 2026

જુનાગઢ જેલમાં બીજા દિવસે પણ ઝડતી, વધુ ૨ મોબાઈલ ફોન મળ્‍યા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૦૫: જુનાગઢ જિલ્‍લા જેલમાં બીજા દિવસે અમદાવાદની ઝડતી સ્‍ક્‍વોડે ઝડતી કરી ૨ મોબાઈલ ફોન મળી આવતા કબજે કર્યા હતા.

બે દિવસ પહેલા જૂનાગઢ જિલ્‍લા જેલમાં જેલબંધી બાદ જેલની ઝડતી સ્‍ક્‍વોડે તપાસ કરી ૧ બિનવારસી મોબાઈલ કબજે કર્યો હતો. હજુ તેની શાહી સુકાઈ ન હતી ત્‍યાં ગઈકાલે પોલીસ મહાનિદેશક જેલ અને સુધારાત્‍મક વહીવટની કચેરી અમદાવાદની ઝડતી સ્‍ક્‍વોડે જુનાગઢ જેલમાં ઝડતી કરતા જેલના પાછળના ગેઈટ પાસે આવેલ ઈલેક્‍સ્‍ટ્રીક રૂમમાંથી  કેચાડા કંપનીનો આસમાની બ્‍લ્‍યુ કલરનો મોબાઈલ તેમજ જેલની પાછળની મુખ્‍ય દિવાલ પાસે હાઇસિક્‍યુરીટી વિભાગની ખોલી એક અને બે ની પાછળના ભાગે પડેલ કચરાની ઉપરથી અજાણ્‍યા ઈસમે ફેંકી દીધેલ ડાર્ક,ગ્રે કલરનો નોકીયા કંપનીનો મોબાઈલ ફોન મળી આવ્‍યો હતો.

રૂપિયા ૨૦૦ની કિમતના બેટરી સાથે અને સીમકાર્ડ વાળા બે બિનવારસી મોબાઈલ ફોન કબજે લઈ ઝડતી સ્‍ક્‍વોડના દેવશીભાઇ રણમલભાઇ કરંગીયાએ અજાણ્‍યા શખ્‍સ સામે ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

(1:18 PM IST)