<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th February 2026

પોરબંદર મહાનગરપાલિકાની હદમાંથી વનાણા ટોલનાકુ કયારે હટાવાશે...?

બહુજન સમાજવાદી પાર્ટી દ્વારા મહાનગરપાલિકા કમિશનરને રજૂઆતઃ ઉપવાસ આંદોલનની ચીમકી

પોરબંદર વિસ્‍તારમાંથી ચૂંટાયેલા બે જનપ્રતિનિધિઓ રાજય અને કેન્‍દ્રમાં કેબીનેટ મંત્રી તરીકે દરજ્‍જો ભોગવે છે છતાં લોકોની પીડા સમજતા નથીઃ બસપા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. પઃ મહાનગરપાલિકા અસ્‍તિત્‍વમાં આવ્‍યા બાદ વનાણ ટોલનાકાને મહાનગરપાલિકાની હદમાંથી દુર કરવા અગાઉ અનેક રજુઆતો કરવા છતા ધ્‍યાન અપાતુ નથી તે પ્રકારની ફરીથી રજુઆત બહુજન સમાજવાદી પાર્ટીના મનપાના પ્રભારી દિનેશભાઇ વી. માંડલિયા અને જિલ્લા પ્રમુખ એન.પી. રાઠોડે મહાનગરપાલિકાના કમિશનરને કરી છે.

આ રજુઆતમાં જણાવેલ કે મહાનગરપાલિકાનો દરજજો મળ્‍યાને એક વર્ષ કરતા પણ વધારે સમય થઇ ગયો છે. વેરા સહિતના તમામ નીતિ નિયમો મહાનગરપાલિકાના લાગુ થઇ ચુકેલ છે. જનતા ઇચ્‍છા અનઇચ્‍છાએ અસુવિધાઓ સાથે કમળતોડ વેરો ભરી રહેલ છે. નિયમો અનુસાર મહાનગરપાલિકાની હદથી ૧૦ કીમી.ના અંતરે ટોલનાકુ હોવું જોઇએ. પરંતુ મહાનગરપાલિકાની હદથી ફકત ૧ કી.મી. ના અંતરે આ ટોલનાકું આવેલ હોવા છતાં અગાઉના અનેક રજુઆતો પછી કોઇ નિર્ણાયક કામગીરી કરેલ નથી.

પોરબંદર વિસ્‍તારમાંથી ચૂંટાઇને આવેલ બે બે જન પ્રતિનિધિઓ રાજય અને કેન્‍દ્રમાં કેબીનેટમંત્રી તરીકેનો દરજજો ભોગવે છે. છતા પણ તેઓને લોકોની પીડા જણાતી નથી. આથી ટોલનાકુ દુર કરવા અરજ છે. તેમજ અત્‍યાર સુધીમાં ગેરકાયદેસર તરીકે જેટલો ટોલ ટેક્ષ વસુલ કરેલ હોય તે પરત અપાવા માંગ છે.

અગાઉ પણ અવાન નવાર રજુઆત કરી ચુકેલ છે. દિવસ ૧૦ ની અંદર કોઇ નિર્ણય લેવામાં નહિ આવે તો ઉપવાસ આંદોલન કરવાની ચીમકી મનપા કમિશનરને રજુઆતમાં આપી છે.

(1:28 PM IST)