<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

મુખ્યમંત્રીશ્રીના પ્રવાસને પગલે સુરેન્દ્રનગરમાંભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ

 

 વઢવાણ, તા.૬: તા.૦૬ના રોજ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે છે. મુખ્યમંત્રીશ્રી પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ અને ધ્રાંગધ્રા રોડ પર સ્થિત પ્રેસિડેન્ટ રિસોર્ટ ખાતે આયોજિત વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેનાર છે. સુરક્ષા અને સુચારૂ ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી સુરેન્દ્રનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ  આર.કે.ઓઝા દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

આ જાહેરનામાં જણાવ્યા પ્રમાણે આજ રોજ સુરેન્દ્રનગર શહેરના મુખ્ય માર્ગો પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા નાગરિકોની સુવિધા માટે ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યું છે, જે મુજબ ધ્રાંગધ્રા તરફથી આવતા અને રાજકોટ, ચોટીલા કે મૂળી તરફ જતા મોટા વાહનોએ હવે ધ્રાંગધ્રા-કોંઢ-સરા-સરલા થઈને મૂળી તરફ જવાનું રહેશે. તેવી જ રીતે રાજકોટ કે મૂળી તરફથી ધ્રાંગધ્રા જવા માંગતા વાહનોએ પણ આ જ પરત રૂટનો ઉપયોગ કરવાનો રહેશે. સુરેન્દ્રનગર અને લીંબડીથી ધ્રાંગધ્રા જવા માટે વાહનોએ ગેબનશાહ પીર સર્કલથી લખતર-વણા-માલવણ રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. માલવણ તરફથી આવતા-જતા વાહનો માટે લખતર-ગેબનશાહ સર્કલનો રૂટ નક્કી કરાયો છે. જ્યારે મૂળીથી માલવણ જતા વાહનોએ મેકશન સર્કલથી વઢવાણ અને ગેબનશાહ સર્કલ થઈને લખતર તરફ જવાનું રહેશે.

(10:31 AM IST)