<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

ગોંડલના મોટા દડવા પાસે ઢોર આડે આવતાં બાઇક સ્‍લીપ થયું: ૩૨ વર્ષના એભલભાઇ ગરૈયાનું મોત

ખારચીયાથી પરત આવતી વખતે બનાવઃ બાઇકચાલક દેવદાનભાઇ રાઠોડનો બચાવ

રાજકોટ તા. ૬: રસ્‍તા પર ઢોર અચાનક આડે આવી જવાને કારણે વાહન અકસ્‍માતના બનાવો અવાર-નવાર બને છે. વધુ એક આવા બનાવમાં એક પરિવારના યુવાન દિકરાનું મોત થયું છે. ગોંડલના મોટા દડવા ગામ પાસે ઢોર રોડ પર આડે આવી જતાં ડબલ સવારીવાળુ બાઇક સ્‍લીપ થઇ જતાં મોટા દડવાના ૩૨ વર્ષના યુવાનનું ગંભીર ઇજા થવાથી મોત થયું છે. જ્‍યારે બાઇકના ચાલકનો નજીવી ઇજા સાથે બચાવ થયો હતો.

જાણવા મળ્‍યા મુજબ મોટા દડવા ગામે રહેતાં એભલભાઇ જેસીંગભાઇ ગરૈયા (ઉ.વ.૩૨) ગઇકાલે પોતાના સગા દેવદાનભાઇ આપાભાઇ રાઠોડ (ઉ.વ.૪૦)ના બાઇકમાં બેસીને તા. ૧ના રોજ ખારચીયા ગામે કામ સબબ ગયા હતાં. ત્‍યાંથી બંને પરત પોતાના ગામ તરફ જતાં હતાં ત્‍યારે ગામ નજીક જ રોડ પર ઢોર આડુ આવી જતાં બાઇક સ્‍લીપ થઇ ગયું હતું. જેમાં દેવદાનભાઇનો નજીવી ઇજા સાથે બચાવ થયો હતો. પરંતુ એભલભાઇને ગંભીર ઇજા પહોંચી હતી.

પરિવારજનોએ એભલભાઇને પ્રથમ આટકોટ કે. ડી. પરવાડીયા હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી રાજકોટ ગોકુલ હોસ્‍પિટલમાં ખસેડયા હતાં. ત્‍યાંથી સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ આજે વહેલી સવારે તેમનું મૃત્‍યુ થતાં પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે આટકોટ પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર એભલભાઇ બે ભાઇ અને એક બહેનમાં નાના અને અપરિણીત હતાં. તે ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં હતાં.

(11:26 AM IST)