News of Friday, 6th February 2026
લવમેરેજ કરનાર પાયલને માતાની અંતિમવિધીમાં આવવાની પિતાએ ના કહી દેતાં આપઘાત કર્યો
મુળ એમપીની યુવતિ ગોંડલના મોટા દડવા ગામે પતિ સાથે રહેતી હતીઃ વાડીના રૂમમાં લટકી ગઇ ૨૫ દિવસની પુત્રી મા વિહોણી થતાં અરેરાટીઃ મૃતદેહનું રાજકોટમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ

રાજકોટ તા. ૬: ગોંડલના મોટા દડવા ગામે પતિ સાથે વાડીમાં રહી મજૂરી કરતી મુળ મધ્યપ્રદેશની પાયલબેન સુરેશ ડામોર (ઉ.વ.૧૮) નામની નવોઢાએ ગત સાંજે સાડા ચારેક વાગ્યે વાડીના રૂમમાં ચુંદડીથી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. તેના આ પગલાથી ૨૫ દિવસની વય ધરાવતી દિકરી મા વિહોણી થઇ ગઇ છે.
જાણવા મળ્યા મુજબ પાયલબેનનો પતિ સુરેશ સાગરભાઇ ડામોર વાડીમાં દવા છાંટવાનું કામ કરી સાંજે સાડા ચારેક વાગ્યે રૂમ પર આવ્યો ત્યારે પત્નિ લટકતી મળી હતી. પોલીસને જાણ થતાં ગોંડલ તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. પતિ સુરેશ ડામોરે જણાવ્યુ હતું કે પોતે અને પાયલ મુળ એમપીના વતની છે. બંનેએ અગીયાર મહિના પહેલા લવમેરેજ કર્યા હોઇ જે પાયલના માવતરને પસંદ પડયું નહોતું. હાલ પાયલ પચ્ચીસ દિવસ પહેલા જ માતા બની હતી અને દિકરીને જન્મ આપ્યો હતો.
દરમિયાન પાયલની માતા કાળીબેન નાગરસંગનું વતન એમપીમાં ત્રણ દિવસ પહેલા કેન્સરની બિમારીથી મૃત્યુ થયું હતું. પાયલને ત્યાં અંતિમવિધીમાં જવું હતું. પરંતુ તેણીના પિતાએ તેને આવવાની ના પાડી દેતાં તેણીને માઠુ લાગી જતાં આ પગલુ ભરી લીધું હતું. તેમ વધુમાં પતિ સુરેશે જણાવ્યું હતું. ફોરેન્સિક પોસ્ટમોર્ટમ બાદ પોલીસ વધુ તપાસ કરશે.
(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
