News of Friday, 6th February 2026
અમરેલી પંથકમાં ૧૨ બાઇક ચોરી રાજકોટમાં વેંચવા માટે ભેગા કર્યાઃ વેંચે એ પહેલા ક્રાઇમ બ્રાંચે દબોચ્યો
હેન્ડલ લોક વગરના વાહનો ચોરી-ચોરીને રાજકોટ-ભાવનગર હાઇવે પર અવાવરૂ જગ્યાએ વાહન છુપવ્યા હતાં: બાબરા પંથકના સગીરે મોજશોખ પુરા કરવા આ ગુના આચર્યાનું રટણ : એએસઆઇ સમીરભાઇ શેખ, કોન્સ. મનિષભાઇ ચાવડા, જીલુભાઇ ગરચરની બાતમી પરથી પીએસઆઇ ડી. પી. ઝાલાની ટીમની કામગીરી

રાજકોટ તા. ૬: ગઇકાલે શહેરના આજીડેમ પોલીસ દ્વારા એક સગીર સહિત બે જણાને ઝડપી લઇ ૧૪ વાહન ચોરીનો ભેદ ખોલવામાં આવ્યો હતો. જેમાં સગીર રાતે રેકી કરી હેન્ડલ લોક વગરના વાહનો ચોરી બીલખાના શખ્સને વેંચવા આપી દેતો હતો. આવી જ એક કામગીરી શહેર ક્રાઇમ બ્રાંચે કરી છે. જેમાં બાબરા પંથકના એક સગીરને પકડી લેવાયો છે. તેણે અમરેલી પંથકમાંથી હેન્ડલ લોકો વગરના ૧૨ ટુવ્હીરલ ચોરીને રાજકોટમાં ભાવનગર હાઇવે પર ભરાડ સ્કૂલ પાછળ અવાવરૂ જગ્યાએ છુપાવી રાખ્યા હતાં.
મોજશોખ પુરા કરવા આ સગીરને આ વાહનો વેંચીને રોકડી કરવી હતી. પરંતુ એ પહેલા ક્રાઇમ બ્રાંચની ઝપટમાં આવી ગયો હતો.
ક્રાઇમ બ્રાંચની ટીમ વાહનચોરીના ગુનાઓ ઉકેલવા પ્રયાસમાં હતી ત્યારે એએસઆઇ સમીરભાઇ શેખ, કોન્સ. મનિષભાઇ ચાવડા અને જીલુભાઇ ગરચરને મળેલી બાતમી પરથી એક સગીરને ચોરાઉ બાઇક સાથે રાઉન્ડઅપ કરાયો હતો. આ સગીરની એકથી વધુ વાહનોની ચોરીમાં સંડોવણી હોવાની પાક્કી બાતમી હોઇ વિશેષ પુછતાછ કરતાં તેણે બીજા ૧૧ બાઇક રાજકોટ-ભાવનગર હાઇવે પર અવાવરૂ મેદાનમાં છુપાવ્યાનું કબુલતાં ક્રાઇમ બ્રાંચે કુલ ૩,૫૫,૦૦૦ના ૧૨ વાહનો કબ્જે કર્યા હતાં અને સગીર સામે કાર્યવાહી કરી હતી.
બાબરા પંથકના આ ટાબરીયાએ કબુલ્યું હતું કે તેણે આ બધા વાહનો છેલ્લા એકાદ મહિનામાં અમરેલી પંથકમાંથી અલગ અલગ સ્થળેથી ચોરી લીધા હતાં.
હેન્ડલ લોક ન હોય તેવા વાહનો જ ડાયરેક્ટ કરીને ઉઠાવી લેતો હતો અને રાજકોટ આવી છુપાવી દેતો હતો. આ વાહનો તેને વેંચવાના હતાં. પણ ગ્રાહક મળે એ પહેલા પોલીસ મળી ગઇ હતી. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત આ કામગીરી પીઆઇ એમ.આર. ગોંડલીયા, એમ.એલ. ડામોર તથા સી.એચ. જાદવ, પીએઅસાઇ ડી.પી. ઝાલાની ટીમના માણસો એવા એએસઆઇ સમીરભાઈ શેખ, હેડકોન્સ. દિપકભાઇ ડાંગર, કોન્સ. જીલુભાઈ ગરચર, મનિષભાઇ ચાવડા, અશ્વીનભાઇ પંપાણીયાએ કરી હતી.
આ કિશોર પાસેથી મળી આવેલા કુલ ૧૨ મોટર સાઈકલ જેમાં મોટાભાગના હીરો સ્પ્લેન્ડર પ્લસ અને પ્રો મોડેલ છે તે સામેલ છે. અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના ૨ ગુના અને બાબરા પોલીસ સ્ટેશનના ૪ ગુના સહિત કુલ ૬ ગુનાઓ શોધી કાઢવામાં આવ્યા છે. પકડાયેલ તમામ વાહનોના એન્જિન નંબર અને ચેસીસ નંબરની વિગતો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
(1:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
