<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th February 2026

વિદેશ જવા ઇચ્છુક મેડિકલ અનફિટ લોકોને ફિટ બતાવી નકલી મેડિકલ સર્ટિફિકેટ બનાવતા રેકેટનો પશ્ચિમ એસઓજી ટીમે કર્યો પર્દાફાશ

ચેડા કરેલ પાસપોર્ટ અને આધારકાર્ડ સાથે રાજસ્થાનના શખ્સની ભુજમાંથી ધરપકડ : મેડિકલ ખામી ધરાવનારા લોકોને GCC માન્ય હોસ્પિટલમાંથી ફિટ બતાવી વિદેશ મોકલવા ડમી વ્યક્તિના ફોટાથી પાસપોર્ટમાં હેરફેર કરી નકલી મેડિકલ ફિટ સર્ટિફિકેટ તૈયાર કરવામાં આવતું

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૭ : કચ્છ જિલ્લામાં વિદેશ જવાની લાલચ આપીને મેડિકલ અનફિટ લોકોને ફિટ બતાવી નકલી મેડિકલ સર્ટિફિકેટ બનાવવાનું રેકેટ ઝડપાયું છે. પશ્ચિમ કચ્છ એસઓજી ટીમે સરાહનીય કામગીરી કરીને વિદેશ મોકલવા નકલી દસ્તાવેજો તૈયાર કરતી ગેંગનો ભાંડાફોડ કર્યો છે. મેડિકલ ખામી ધરાવનારા લોકોને GCC માન્ય હોસ્પિટલમાંથી ફિટ બતાવી વિદેશ મોકલવા માટે ડમી વ્યક્તિના ફોટાથી પાસપોર્ટમાં હેરફેર કરી નકલી મેડિકલ ફિટ સર્ટિફિકેટ તૈયાર કરવામાં આવતું હતું. આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. એસઓજી ટીમે ભુજ રેલ્વે સ્ટેશન નજીકથી સંજય કુમાર નટવરલાલ લુહાર નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપી પાસેથી નકલી ભારતીય પાસપોર્ટ અને આધાર કાર્ડ સહિતના દસ્તાવેજો મળી આવ્યા છે. આરોપી વિદેશ જવા ઇચ્છુકોને નકલી દસ્તાવેજો તૈયાર કરીને મદદ કરતો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ મામલે પશ્ચિમ કચ્છ એસઓજી પીઆઇ અજયસિંહ પરમાર ફરિયાદી બન્યા છે જ્યારે આગળની તપાસ એસઓજી પીઆઇ પ્રશાંત સિંઘરખીયા દ્વારા હાથ ધરાઈ રહી છે. પોલીસ અન્ય સંડોવાયેલા શખ્સોને ઝડપી લેવા તપાસ તેજ કરી છે.

(9:40 AM IST)